મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

ગુલામ નબીને ખીણમાં જવાની મળેલ બહાલી

રાજકીય રેલી કરી શકશે નહીં

નવી દિલ્હી, તા.૧૬ : સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીર જવાની મંજુરી આપી દીધી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરમાં કોઇપણ પ્રકારની રાજકીય રેલી કરવાની મંજુરીઆપવામાં આવશે નહીં. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વમાં એક બેંચે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીને જમ્મુ, અનંતનાગ, બારામુલ્લા અને શ્રીનગર જવા અને લોકો સાથે વાતચીત કરવાની મંજુરી આપી દીધી છે. આ પહેલા આઝાદે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ૫મી ઓગસ્ટ બાદ તેઓએ ત્રણ વખત જમ્મુ કાશ્મીર જવાના પ્રયાસ કર્યા હતા પરંતુ શ્રીનગર એરપોર્ટથી જ પરત કરી દેવામાં આવ્યા હતા.

         ફારુક અબ્દુલ્લા પહેલાથી જ મુશ્કેલીમાં છે. ઓમર અબ્દુલ્લા સામે પણ કાર્યવાહી થઇ રહી છે. ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને પહેલાથી જ નજરકેદમાં રાખવામાં આવ્યા છે. ગુલામ નબીને ખીણમાં જવાની મંજુરી મળ્યા બાદ હવે ગુલામ નબી જમ્મુ કાશ્મીરમાં કેવી રણનીતિ અપનાવે છે તે બાબત ઉપયોગી બનશે. જુદા જુદા વિસ્તારમાં લોકો સાથે વાતચીત કરવાની મંજુરી ગુલામ નબીને મળી ચુકી છે. ગુલામ નબીએ કહ્યું છે કે, તેઓ કોઇપણ રાજનીતિ કરવા માટે ઇચ્છુક  નથી. માત્ર સ્થિતિ જાણવા માંગે છે.

(7:43 pm IST)