મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

RSSની વિચારધારાથી વિદેશીઓને અવગત કરવા આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદ

સરસંઘ સંચાલક મોહન ભાગવતજી પહેલી વખત વિદેશી પત્રકારો સમક્ષ ઉપસ્થિત થશેઃ સંઘ વિષે ફેલાવાતી ગેરસમજણો દુર કરશેઃ પાકિસ્તાની મીડીયાને દુર રખાશે

રાજકોટ તા. ૧૬: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ.) સૌ પ્રથમ વખત વિદેશી પત્રકારો સમક્ષ ઉપસ્થિત થઇ અને આર.એસ.એસ.ની વિચારધારાથી વિદેશીઓને અવગત કરશે અને આર.એસ.એસ. વિષે ફેલાવાઇ રહેલી ગેરસમજણો દુર કરશે.

આર.એસ.એસ.નાં પદાધિકારીઓએ જણાવ્યા મુજબ આ મહિનાનાં અંત સુધીમાં દિલ્હીનાં આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદનું આયોજન થશે જેમાં ૭૦ વિદેશી પત્રકારોને આમંત્રણ અપાયું છે. જો કે પાકિસ્તાની મીડીયાને આ પત્રકાર પરિષદથી દુર રખાશે.

આ પત્રકાર પરિષદમાં આર.એસ.એસ.ની વિચારધારાનાં વિવિધ વિષયોની ચર્ચા કરાશે અને આર.એસ.એસ. વિષે ફેલાવાતી ગેરસમજણોને દુર કરવામાં આવશે ત્થા સંઘની મૂળ વિચારધારા અને હેતુથી વિદેશી પત્રકારોને અવગત કરવામાં આવશે.

પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, સંઘ આ પ્રકારે સૌ પ્રથમ વખત વિદેશી પત્રકારો સમક્ષ ઉપસ્થિત થશે. આ પત્રકાર પરિષદ ઓફ-કેમેરા હશે એટલે કે વાત-ચીતનું રેકોર્ડીંગ નહિં કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં સૌ પ્રથમ સર સંઘ સંચાલક મોહન ભાગવતજીનાં સંબોધનથી શરૂ થશે ત્યારબાદ સવાલ-જવાબનો દોર રહેશે. આ આયોજન માટે સંઘનાં પ્રચાર વિભાગે તૈયારીઓ શરૂ કરી છે.

(3:51 pm IST)