મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

ભયના માહોલ વચ્ચે મોટા ભાગના ટુવ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યાઃ દસમાંથી સાતેક લોકો 'ટોપા' પહેરેલા નજરે ચડ્યા

વાહન ચાલકોએ કહ્યું-ખિસ્સા ખાલી કરી નાંખે એવા દંડ ભરવા કરતાં કાયદાનું પાલન કરવું સારું...અમુકે કહ્યું-અમને હજુ હેલ્મેટ મળ્યા જ નથી : રાજકોટમાં પ્રથમ દિવસે એસીપી ટ્રાફિકની રાહબરીમાં ચોકે-ચોકે સવારે સાડા દસ પછી ચેકીંગ ચાલુ થયું: પ્રારંભે પોલીસનું થોડુ કુણુ વલણ : ડ્રાઇવીંગ લાયસન્સ, પીયુસી, વીમો, આરસી બૂક સાથે રાખીને નીકળ્યા

ડરના જરૂરી હૈ...વાહન ચાલકો માટેના નવા કાયદાની અમલવારીનો આજથી રાજ્યમાં પ્રારંભ થયો છે. ત્યારે મોટા ભાગના વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નીકળેલા જોવા મળ્યા હતાં. દસમાંથી સાતેક વાહન ચાલકો હેલ્મેટ સાથે નીળકયા હતાં. આ તમામે એક સૂરે કહ્યું હતું કે ખુબ મોટા એવા દંડને કારણે અમને ડર લાગતાં મને કમને હેલ્મેટ ધારણ કરવું પડ્યું છે. અમે બીજા તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખ્યા છે, પણ હેલ્મેટ સામે અમારો વિરોધ છે. શહેરી વિસ્તારમાંથી હેલ્મેટને હટાવવું જરૂરી છે...આ જોતાં લાગે છે કે વાહન ચાલકો ડરના જરૂરી હૈ...એવા સુત્રને અનુસરી રહ્યા છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપ સિંહ સવારે જીલ્લા પંચાયત ચોક-અકિલા ચોકમાં આવ્યા હતાં અને એસીપી ટ્રાફિક બી.એ. ચાવડા તથા બીજા અધિકારીઓ, સ્ટાફને વાહન ચાલકો સાથે માથાકુટ ન થાય અને શાંતિપૂર્વક રીતે કાયદાનું પાલન કરાવવાની સમજણ આપવામાં આવે તે રીતે સુચનો કર્યા હતાં. તસ્વીરમાં હેલ્મેટ પહેરેલા વાહન ચાલકો જોઇ શકાય છે. પોલીસ પણ હેલ્મેટ સાથે જોવા મળી રહી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એકટમાં ગુજરાત સરકારે સુધારો કરી દંડની રકમમાં ઘટાડો કર્યા પછી આજથી આ અમલનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા નિવયમો મુજબ ટુવ્હીલર ચાલકોને ફરજીયાત આર.સી. બૂક, વાહનનો વિમો, ડ્રાઇવીંગ લાયસન્સ, પીયુસી સાથે રાખવાના છે અને હેલ્મેટ પણ પહેરવાનું છે. રાજકોટમાં ભયના માહોલ વચ્ચે અને મસમોટા, ખિસ્સા ખંખેરી નાંખતા દંડથી બચવા માટે દસમાંથી સાતેક વાહન ચાલકો હેલ્મેટ પહેરીને અને સાથે જરૂરી દસ્તાવેજો લઇને નીકળ્યાનું જણાયું હતું. કાયદા સામે ડરના જરૂરી હૈ...જેવો માહોલ શહેરમાં સર્જાયો છે. વાહન ચાલકોએ મને કમને કહ્યું હતું કે ખુબ મોટા દંડથી બચવા કરતાં નિયમો પાળવા એ વધુ સારુ છે. તો કેટલાકે કહ્યું હતું કે અમે હજુ પણ હેલ્મેટ ખરીદી શકયા નથી. હવે ખરીદશું.

આજથી ૧૬મીથી નવા નિયમોનું પાલન કરાવવા પોલીસ ચોકે-ચોકે ઉભી રહી જશે તેવું અગાઉથી જ જાહેર કરવામાં આવ્યું હોઇ ભયના માહોલ વચ્ચે રાજકોટના ટુવ્હીલર ચાલકો નિયમોનું પાલન થઇ શકે તે માટે અગાઉથી  જ ધંધે લાગી ગયા હતાં. લાયસન્સ, પીયુસી,  વીમો, આરસી બૂક જેવા દસ્તાવેજો એકઠા કરવા વાહન ચાલકો છેલ્લા અઠવાડીયાથી દોડધામ કરી રહ્યા હતાં. આમ છતાં અમુકને આ બધુ ભેગુ કરવામાં હજુ આજે પણ ટાંગામેળ થયો નથી. જેની પાસે લાયસન્સ, પીયુસી, વીમો અને આરસી બૂક નહોતી તેવા મોટા ભાગના વાહન ચાલકો રિતસર બીજા કામ ધંધા પડતા મુકી આ બધા દસ્તાવેજો ભેગા કરવા ધંધે લાગ્યા હતાં. આ કારણે આરટીઓ, પીયુસી સેન્ટર ખાતે કીડીયારૂ ઉભરાયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. તો હેલ્મેટ ખરીદવા માટે પણ બધા દોડધામ કરતાં જોવા મળ્યા હતાં.

જો કે શહેરી એરિયામાં ફરજીયાત હેલ્મેટ પહેરવાનો કાયદો તદ્દન વણવિચાર્યો અને ત્રાસદાયક હોવાનું લગભગ તમામ વાહન ચાલકો કહી રહ્યા છે. આમ છતાં ભારેખમ દંડથી બચવા મજબૂર થઇ હેલ્મેટ પહેરી રહ્યા છે. અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા ન થાય એ હેતુથી હેલ્મેટ ફરજીયાત બનાવાયું છે. પરંતુ રાજકોટમાં સારી કવોલિટીના આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટનો સ્ટોક ખલ્લાસ હોઇ લોકો હાલ  ફૂટપાથ કે રેંકડીઓમાં મળતાં ગમે તેવા હેલ્મેટ ખરીદીને ગાડુ ગબડાવી રહ્યા છે. પોલીસે પણ આજે પ્રારંભે થોડુ કુણુ વલણ રાખ્યું છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહ ખુદ જીલ્લા પંચાયત ચોકમાં બીજા અધિકારીઓ સાથે પહોંચ્યા હતાં અને અધિકારીઓ, સ્ટાફને જરૂરી સુચના આપી હતી.

ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા  તથા ટ્રાફિક બ્રાંચના તમામા પી.આઇ., પીએસઆઇની ટીમો શહેરભરના મુખ્ય ચોક, પોઇન્ટ પર સવારના સાડા દસ પછી પહોંચ્યા હતાં અને વાહન ચેકીંગ શરૂ કરી દીધું હતું. દસમાંથી સાત-આઠ વાહન ચાલકો હેલ્મેટ સાથે જોવા મળ્યા હતાં.

તો મોટા ભાગના વાહન ચાલકો જરૂરી દસ્તાવેજો પણ મોબાઇલમાં કે પછી પર્સમાં સાથે રાખીને નીકળેલા જોવા મળ્યા હતાં. પોલીસે કહ્યું હતું કે લોકોને કારણ વગર હેરાન કરવાનો કોઇ ઇરાદો નથી. સરકારના આદેશનું પાલન કરાવવા અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ હેતુથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરમિયાન જે વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હતાં તેમાંથી મોટા ભાગના લોકોએ કહ્યું હતું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો હોવો જ ન જોઇએ. આ ખુબ જ ત્રાસદાયક છે. અનેક રીતે આ કાયદો હેરાન કરનારો છે. આમ છતાં અમે મસમોટા દંડના ભયથી હેલ્મેટ પહેરીને નીકળ્યા છીએ. સરકારે હજુ પણ ફેરવિચારણા કરવાની જરૂર છે. હાઇવે પર હેલ્મેટ ફરજીયાત હોય તે જરૂરી છે. શહેરમાં આ કાયદો લાગુ પાડવો યોગ્ય નથી. તેવો મોટા ભાગના વાહનચાલકોનો સૂર રહ્યો છે. વાહન ચાલકોએ એ કબુલ્યું હતું કે ડ્રાઇવીંગ લાયસન્સ, આરસી બૂક, વીમો, પીયુસી જેવા દસ્તાવેજો રાખવા જરૂરી છે. પણ હેલ્મેટને ગમે તેમ કરીને હટાવો તેવી માંગણી છે.

(3:09 pm IST)