મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

હોંગકોંગમાં હજારો દેખાવકારો મકકમઃ વિદ્રોહ યથાવત રહેતા અન્ય દેશોમાં પલાયન થવાનું શરૃઃ સ્થિતિ ગંભીર

હોંગકોંગના પ્રચંડ દેખાવો ૧૫મા અઠવાડીયામાં પહોંચ્યાઃ મોલમાં હિંસાઃ પોલીસ સ્ટેશન ઉપર હુમલો

હોંગકોંગ : હોંગકોંગનું પ્રદર્શન ૧૫ મા અઠવાડિયામાં પ્રવેશ્યું છે. રવિવારે લોકોએ ગોડ સેવ ધ કવીન ગાતા ગાતા તથા યુનિયન જેક લહેરાવતા બ્રિટિશ દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. લોકોની એવી માગ હતી કે ચીન હોંગકોંગની આઝાદી પરત્વેની તેની સર્મિપતતાનું પાલન કરે. એક દેશ, બે સિસ્ટમ્સ પૂરી થઈ છે તેવી માગ લોકોએ બુલંદ બનાવી હતી. બ્રિટિશ દૂતાવાસની બહાર ઘણા પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઈને બ્રિટિશ નેશનલ પાસપોર્ટ માટે સમાન અધિકારોની માગ કરી હતી. શનિવારના પ્રદર્શનમાં લોકો મોલમાં ઘૂસીને વિરોધ કરવા લાગ્યા હતા. બળપૂર્વક હટાવવામાં આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી.

 ગઇકાલે લેજિસ્લેટિવ કાઉન્સિલ બિલ્ડિંગ નજીક અને સેન્ટ્રલ ગર્વમેન્ટ ઓફિસની અંદર પેટ્રોલ બોંબ ફેંકી રહેલા પ્રદર્શનકારી ઓને વિખેરવા માટે પોલીસે પાણી અને ટીયરગેસનો મારો ચલાવ્યો હતો તેમ છતાં પણ લોકો ટસના મસ થયા નહોતા. કેટલાક પ્રદર્શનકારીઓએ ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મી બેઝ નજીકના પોલીસ સ્ટેશનની બહાર ઈંટો ફેંકી હતી અને એક રેડ બેનરને આગ ચાંપી દીધી હતી.

કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પેટ્રોલ બોંબ પડતા એક વોટર કેનનમાં આગ લાગી હતી. વોટર કેનન વાદળી રંગનું પાણી છોડે છે જેથી કરીને પ્રદર્શનકારીઓની ઓળખ થઈ શકે.

ગીચ વસતી ધરાવતા કાઉલૂન જિલ્લામાં એમોય પ્લાઝામાં પોલીસના દમનનો ભોગ બનેલા લોકોનો વીડિયો અને તસવીર બહાર આવી હતી. તસવીરમાં કેટલાક દેખાવકારોનાં કપડાં લોહીથી ભીંજાયાં હોવાનું દેખાતું હતું.

 હોંગકોંગમાં શરૂ થયેલા વિદ્રોહનો અંત આવે તેવો કોઈ સંકેત દેખાતો નથી. ચીનના કબજા હેઠળના આ પ્રદેશમાં નજીકનાં ભવિષ્યમાં શાંતિ દેખાય તેવું ન દેખાતા બીજા દેશોમાં જવાની મંજૂરી માંગનાર લોકોમાં વધારો થઈ રહ્યો છે. પાસપોર્ટ સંબંધી કાર્યવાહી, સ્થાનિક લોકો, માઈગ્રેશન એજન્ટ અને દુનિયાભરના રિયલ એસ્ટેટ બ્રોકર્સ સાથે કરાયેલ ઈન્ટરવ્યુમાં આ સંકેત મળી રહ્યો છે કે હોંગકોંગમાં માણસો અને નાણાનું પલાયન વધનાર છે. હોંગકોંગના ઈમિગ્રેશન સેન્ટરોમાં ભીડ વધવા લાગી છે. 

(1:12 pm IST)