મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

કુશળ યુવાનોની તીવ્ર અછતના નિવેદન બાદ ગંગવાર ફસાયા

માયાવતી, પ્રિયંકા અને અન્યો દ્વારા આકરા પ્રહારો :ગંગવારનું નિવેદન ખુબ શરમજનક : માયાવતીનો આક્ષેપ

નવીદિલ્હી, તા. ૧૫ : કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગારમંત્રી સંતોષ ગંગવાર રોજગાર ઓછા નથી. ઉત્તર ભારતમાં યોગ્ય કર્મચારીઓની કમી છે તેવા નિવેદનને લઇને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી સહિત અન્ય વિપક્ષોએ કેન્દ્રીય મંત્રીની જોરદાર ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, ગંગવારનું આ નિવેદન ઉત્તર ભારતીયોના મોટા અપમાન તરીકે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીયમંત્રી પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બચી જવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ લોકોને આને ચલાવી લેશે નહીં. પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, પાંચ વર્ષથી વધુ સમયથી મોદી સરકાર રહી છે. નોકરીની તકો સર્જાઈ નથી. જે નોકરીઓ હતી તે નોકરી આર્થિક મંદીના લીધે જતી રહી છે. યુવાનો રસ્તા ઉપર આવી ગયા છે. સરકાર કંઇ સારા રસ્તા શોધે તે જરૂરી છે. ઉત્તર ભારતીયોનું અપમાન કરવામાં આવી રહ્યું છે પરંતુ આને ચલાવી લેવાશે નહીં. બીજી બાજુ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીનું નિવેદન ખુબ જ શરમજનક છે. તેઓએ માંગ પણ કરી છે કે, કેન્દ્રીયમંત્રીને પોતાના નિવેદન બદલ લોકોની માફી માંગવી જોઇએ. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, દેશમાં છવાઈ ગયેલી આર્થિક મંદી જેવી ગંભીર સમસ્યાના સંદર્ભમાં દેશની માફી માંગવી જોઇએ. માયાવતીનું કહેવું છે કે, આર્થિક મંદીની ગંભીર સમસ્યાના સંદર્ભમાં કેન્દ્રીયમંત્રીઓના જુદા જુદા હાસ્પાસ્પદ નિવેદન આવી રહ્યા છે. હવે દેશ અને ખાસ કરીને ઉત્તર ભારતીયોની બેરોજગારી દૂર કરવાના બદલે આ બાબત કહેવી કે રોજગારની કમી નથી પરંતુ યોગ્યતાની કમી છે. ખુબ જ શરમજનક બાબત છે. કેન્દ્રીયમંત્રી ગંગવારે પોતાના સંસદીય ક્ષેત્ર બરેલીમાં મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે, તેઓ રોજગાર મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે જેથી તેમને વાસ્તવિકતાની માહિતી છે.

કેન્દ્રીય શ્રમમંત્રીએ કહ્યું હતું કે, ઉત્તર ભારતમાં સારા શિક્ષણ મેળવી ચુકેલા યુવાઓની કમી છે. આ બાબતને લઇને ગંગવાર ફસાઈ ગયા છે.

(12:00 am IST)