મુખ્ય સમાચાર
News of Tuesday, 16th July 2019

કપિલ સિબ્બલે મોટે ઉપાડે શરૂ કરેલી 'તિરંગા ટીવી' ચેનલ રાતોરાત બંધ કરી દીધીઃ ૨૦૦ પત્રકારોને કાઢી મુકયાઃ બરખા દત્તનું એલાને જંગ

૨૦૦ પત્રકારોને નોટીસ આપ્યા વગર છૂટા કરી દીધાઃ ૬ મહિનાનો પગાર પણ નથી આપ્યોઃ મોદી સરકારે ટીવી ચેનલ બંધ કરાવી હોવાનો સિબ્બલનો આરોપ બરખા દત્તે ખોટો ઠેરવ્યો

નવી દિલ્હી, તા. ૧૬ :. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પોતાની ટીવી ચેનલ ચલાવતા હતા હાલમાં જ તેમણે પોતાની ચેનલમાં કામ કરતા ૨૦૦ જેટલા પત્રકારોને પગાર આપ્યા વગર કાઢી મુકયા છે. હવે આ મામલાએ વિવાદ ઉભો કર્યો છે અને પત્રકાર બરખા દત્તે કપિલ સિબ્બલ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ છે કે સિબ્બલે પોતાની ચેનલ 'તિરંગા ટીવી'ના પત્રકારોને છેલ્લા ૬ મહિનાથી પગાર નથી આપ્યો અને તેઓને બહારનો રસ્તો બતાડી દીધો છે.

તેમણે કહ્યુ છે કે, કપિલ સિબ્બલ અને તેમની પત્નિએ એક ભયાનક પરિસ્થિતિ ઉભી કરી દીધી છે જ્યાં ૨૦૦થી વધુ કર્મચારીઓને ૬ મહિનાનું વેતન ચૂકવ્યા વગર જ ઉપકરણ જપ્ત કરી લીધા છે અને પત્રકારો સાથે દૂર્વ્યહાર કરવામાં આવ્યો છે. બરખા દત્તે કહ્યુ છે કે મોટા ભાગના લોકોને બે વર્ષની નોકરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલ અને તેમના પત્નિએ સ્ટાફ સાથે વાત પણ કરી નથી. સાથોસાથ ચેનલના તમામ લાઈવ પ્રોગ્રામોને ૪૮ કલાક માટે રદ્દ કરી દેવામાં આવ્યા છે.

બરખા દત્તે કહ્યુ છે કે સૌથી શરમજનક વાત એ છે કે કપિલ સિબ્બલ રોજ કરોડો કમાઈ છે અને ૨૦૦ કર્મચારીઓને ૬ મહિના કે ઓછામાં ઓછા ૩ મહિનાનો પગાર પણ નથી આપ્યો જેના કારણે ૨૦૦થી વધુ પત્રકારોનું જીવન બરબાદ થઈ ગયુ છે. તેમણે કહ્યુ છે કે સિબ્બલ દંપતિ અસંવેદનશીલ છે. તેમણે કહ્યુ છે કે સિબ્બલ અને તેમની પત્નિએ પત્રકારો અને કર્મચારીઓને કાઢી મુકવા માટે મોદી સરકારને દોષીત ઠેરવી છે. સાથો સાથ સરકારે ચેનલ ચાલવા ન દીધી તેવો આરોપ પણ મુકયો છે. જો કે બરખા દત્તે કહ્યુ છે કે સરકારે જરા પણ ચંચુપાત કર્યો નથી.

બરખા દત્તે કરેલી ટ્વીટ વાયરલ થઈ છે અને ટ્વીટર પર કપિલ સિબ્બલ વિરૂદ્ધ ખોલવામાં આવેલા મોરચા સાથે અનેક લોકો ઉભા થયા છે. બરખા દત્તે કહ્યુ છે કે સિબ્બલની પત્નિ કે જેઓ મીટ ફેકટરી ચલાવે છે તેમણે ઓફિસમાં બરાડા પાડીને કહ્યુ હતુ કે મેં મજુરોને એક પણ પૈસો આપ્યા વગર ફેકટરી બંધ કરી દીધી છે. પત્રકાર ૬ મહિનો પગાર માંગવાવાળા કોણ છે ? પત્રકારો માટે સિબ્બલની પત્નિની ભાષા અપમાનજનક છે. બરખા દત્તે કપિલ સિબ્બલની તુલના ભારતમાંથી હજારો કરોડનો ગોટાળો કરી ભાગેલા વિજય માલ્યા સાથે કરી છે. પતિ-પત્નિએ સ્ટાફને કશુ કહ્યા વગર વેકેશન માટે લંડન ચાલ્યા ગયા છે. જેને કારણે હું તેમને માલ્યા કહેવા મજબુર બનુ છું. બરખા દત્તે કપિલ સિબ્બલ પર તેણીને ધમકાવવાનો આરોપ પણ મુકયો છે. તેમણે કહ્યુ છે કે પત્રકારોને અધિકારો માટે લડવા પર મને ધમકી આપવામાં આવી છે, પરંતુ હું પત્રકારોની સાથે છું.

તિરંગા ટીવીમાથી છૂટા કરવામાં આવેલા ૨૦૦ જેટલા પત્રકારોએ દિલ્હી પ્રેસ કલબમાં સિબ્બલ વિરૂદ્ધ દેખાવો પણ કર્યા હતા. નોટીસ પિરીયડ વગર કાઢી મુકયાનો આરોપ મુકયો હતો. આ ટીવી ચેનલમાં બરખા દત્ત, કરણ થાપર અને મનિષ છીબ્બર જેવા વરિષ્ઠ પત્રકારો પણ જોડાયેલ હતા. કર્મચારીઓ આ મામલામાં સિબ્બલ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહ્યા છે.

(11:40 am IST)