મુખ્ય સમાચાર
News of Monday, 16th July 2018

મોદીની રેલીમાં વરસાદ વચ્ચે ટેન્ટ તૂટ્યો : ૨૨ લોકો ઘાયલ

ઘાયલ થયેલા લોકોને મળવા માટે મોદી પહોંચ્યા : ઘાયલ થયેલા લોકોને મળવા મોદી હોસ્પિટલમાં પહોંચ્યા

મિદનાપુર, તા. ૧૬ : પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ખરાબ હવામાન અને વરસાદ વચ્ચે ટેન્ટ તૂટી પડતા ૨૨ લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલી પુરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હોસ્પિટલમાં મળવા માટે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તો અંગે માહિતી મેળવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે રેલીના સ્થળના મુખ્ય પ્રવેશ નજીક ટેન્ટ સ્થાપિત કરવામાં આવ્યા બાદ વરસાદથી બચવા માટે લોકો તેની નીચે એકત્રિત થયા હતા. રેલી દરમ્યાન અનેક ઉત્સાહિત કાર્યકરો ટેન્ટની અંદર એકત્રિત થયા હતા. વડાપ્રધાન મોદી વારંવાર સાવચેતી રાખવા માટે અપીલ કરતા નજરે પડી રહ્યા હતા. મોદી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ટેન્ટ ધરાશાયી થતા તેઓએ પણ મદદ માટે કહ્યું હતું. મોદીએ પોતાની પાસે ઉભેલા એસપીજી કર્મીઓને તરત જ લોકોની સારવારમાં જોડાઈ જવા માટે અને ઘાયલોની મદદ કરવા કહ્યું હતું. મોદીએ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા હતા. મોદી રેલી કરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદ થઈ રહ્યો હતો.

(7:11 pm IST)