મુખ્ય સમાચાર
News of Monday, 16th July 2018

જાપાને બુલેટ ટ્રેનના ફંડને લગાવી બ્રેક? ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં જમીન સંપાદનમાં થતી સમસ્‍યાઓ કારણભૂત

પ્રોજેકટનું કામ આગળ વધતુ નથી : ફંડ રીલીઝમાં વિધ્‍ન

મુંબઈઃ કેન્‍દ્ર સરકારનો બહુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ બુલેટ ટ્રેન જમીન સંપાદનની સાથે સાથે જાપાન તરફથી નાણાં ન મળવાને લીધે અડચણમાં હોય તેમ જાણવા મળ્‍યું છે. એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જમીન સંપાદન આડે આવતી અચડણ અને ખેડૂતોની અસહમતીને ધ્‍યાનમાં લઈ જાપાન ઈન્‍ટરનેશનલ કો-ઓપરેશન એજન્‍સી (જાયકા)એ જે ફંડ રિલીઝ કરવાનું હતું તે કર્યું નથી. એક રાષ્ટ્રીય અખબારના અહેવાલ અનુસાર પ્રોજેક્‍ટ આગળ વધતો દેખાતો ન હોવાથી આ ઈન્‍સ્‍ટોલમેન્‍ટ હાલમાં જાપાને રિલીઝ કર્યોં નથી. ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને કારણે જોવા મળતા વિરોધને લીધે પ્રોજકટનું કામ આગળ વધી રહ્યું નથી. જાયકા સાથે કરવામાં આવેલા કરાર અનુસાર જો પ્રોજેક્‍ટ સતત આગળ વધતો રહેશે તો જ ફંડ આપવામાં  આવશે.

જાપાનના પ્રમુખે ગુજરાતની મુલાકાત લીધી હતી ત્‍યારે રૂ. ૧૨૫ કરોડનું પહેલો ઈન્‍સ્‍ટોલમેન્‍ટ મંજૂર કરવામાં આવ્‍યો હતો. રાજય સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરી સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે. જયાં સુધી તે નહીં થાય ત્‍યાં સુધી નાણાં આવશે નહીં. કુલ એક લાખ કરોડના બુલેટ ટ્રેનના પ્રોજેક્‍ટનો રૂ. ૮૦,૦૦૦ કરોડ સુધીનો ખર્ચ જાપાની કંપનીએ આપવાનો કરાર કરવામાં આવ્‍યો હતો. આ રકમ તેમના દ્વારા ઈન્‍સ્‍ટોલમેન્‍ટમાં આપવામાં આવી રહી છે.

મુંબઈથી અમદાવાદ હાઈ સ્‍પીડ ટ્રેન વારંવાર વિવાદોમાં સપડાતી રહે છે. મહારાષ્ટ્રમાં વિરોધપક્ષો સહિત કેન્‍દ્ર અને રાજયમાં ભાજપનો સાથીપક્ષ શિવસેના પણ વિરોધ કરી રહી છે. પાલઘર ખાતે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા પણ વિરોધ થયો છે. ગુજરાતમાં ખેડૂતો અને ખાસ કરીને ફળોની વાળીઓ ધરાવતા આ પ્રોજેક્‍ટનો વિરોધ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીનો બહુ માનીતો મનાતો આ પ્રોજેક્‍ટ ફંડ અભાવે વિલંબમાં મુકાશે, તેવી શક્‍યતાઓ નકારી શકાય નહીં. આ અંગે કેન્‍દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયેલ સાથે સંપર્ક સાધવામાં આવ્‍યો હતો, પરંતુ તેઓ કાર્યક્રમમાં વ્‍યક્‍ત હોવાથી વાત થઈ શકી ન હતી.

 

(10:24 am IST)