મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

મુંબઈમાં રસી બાદ જુદા જુદા નામના સર્ટિ. આપીને ઠગાઈ

કોરોનાની રસીના નામે છેતરપિડીના કિસ્સા વધ્યા : કાંદિવલીની એક સોસાયટીમાં ૪૦૦ લોકોને રસી અપાઈ, રસીના સર્ટિફિકેટથી તેની યોગ્યતા પર સવાલ ઊઠ્યા

મુંબઈ, તા. ૧૬ : કોરોનાને માત આપવા માટે સરકારે લોકોને રસી લેવાની અપીલ કરી છે. આ અપીલની અસર પણ દેખાઈ રહી છે. આ અપીલનો કેટલાક છેતરપિડી કરતા તત્વો પણ લાભ ઉઠાવી રહ્યા છે, અને રસીના નામે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના મુંબઈના કાંદિવલી વિસ્તારમાં સામે આવી છે. અહીંની હીનાનંદાની હેરિટેજ સોસાયટીમાં પાછલા દિવસે કેમ્પમાં ૪૦૦ લોકોને રસી આપવામાં આવી હતી, પરંતુ રસી બાદ મળેલા સર્ટિફિકેટના કારણે શંકા ઉભી થઈ છે. હવે લોકોને લાગે છે કે તેમને ખરેખર રસી આપવામાં આવી છે કે બીજુ કંઈક.. આ અંગે સ્થાનિક કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

આ ઘટના બાદ લોકોના મનમાં વેક્સીનને લઈને શક થઈ રહ્યો છે. એવામાં વેક્સીનેશનને લઈને નાગરિકો સતર્ક અને જાગૃત રહે તે જરુરી છે. જો તમારા વિસ્તાર કે સોસાયટીમાં પ્રાઈવેટ વેક્સીનેશન કેમ્પ લગાવવામાં આવ્યો હોય તો સાવધાન રહેવાની જરુર છે. લોકોનો આરોપ છે કે તેમની પાસેથી ૧૪૦૦ રુપિયા લઈને રસી આપવામાં આવી છે.

કાંદિવલીમાં આવેલી હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં ૩૦ મેના રોજ ૪૦૦ લોકોને કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આવ્યો હતો. સોસાયટીના સભ્ય હિતેશ પટેલે જણાવ્યું કે કેમ્પમાં તેમના દીકરાએ પણ રસી લીધી છે. સોસાયટીએ મહેન્દ્રસિંહ નામના વ્યક્તિની નિમણૂક કરી હતી. જેણે મુંબઈના મોટા હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવાનો દાવો કર્યો હતો. પરંતુ રસીકરણ સમયે આવું કશું થયું નહીં. હિતેશે જણાવ્યું કે રસીકરણ પછી લોકોને સર્ટિફિકેટ આપવામાં બહુ મોડું કરવામાં આવ્યું તો સોસાયટીના સંબંધિત વ્યક્તિનો સંપર્ક કરવામાં આવ્યો. આ પછી લોકોને જ્યારે સર્ટિફિકેટ મળ્યું તો તેમના હોશ ઉડી ગયા. કોઈને નાણાવટી હોસ્પિટલ, કોઈને બીએમસી નેસ્કો તો કોઈને શિવમ હોસ્પિટલનું સર્ટિફિકેટ મળ્યું હતું. આ બધા સર્ટિફિકેટ એક સાથે નહીં પરંતુ અલગ-અલગ દિવસે આપવામાં આવ્યા હતા.

સંબંધિત વ્યક્તિ સોસાયટીના દરેક વ્યક્તિને મળીને તેમના મોબાઈલ ફોન પર આવેલા ઓટીપીના આધારે તેમને સર્ટિફિકેટ આપી રહ્યા હતા. હિતેશ પટેલે જણાવ્યું કે જ્યારે નાણાવટી હોસ્પિટલમાં રસી લેનારી વ્યક્તિઓ દ્વારા તપાસ કરવામાં આવી તો હોસ્પિટલે જણાવ્યું કે વેક્સીનેશન તેમના દ્વારા કરવામાં નથી આવ્યું. હકીકત જાણ્યા પછી સોસાયટીના સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે, જે વ્યક્તિ સામે ફરિયાદ થઈ છે, તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. નાણાવટી હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની હોસ્પિટલ દ્વારા સંબંધિત વિભાગોને સૂચિત કરાયા છે અને જલદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે.

આ મામલે સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું કે જે કોવિશીલ્ડ વાયલનો ઉપયોગ કરાયો હતો, તેના પર નોટ ફોર સેલ લખેલું હતું. તેનાથી એવું લાગી રહ્યું છે કે કોઈ સરકારી કેન્દ્ર પરથી આ રસી જારી કરાઈ છે. તપાસમાં મોટી ગડબડ સામે આવી શકે છે.

(8:22 pm IST)