મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટનો સામનો કરવામાં તેમની વૅક્સિન અન્ય કંપનીઓની કોરોના વિરોધી રસીની સરખામણીમાં વધુ અસરકારક: રશિયાની કંપની સ્પૂતનિક-વીનો દાવો

નવી દિલ્હી: રશિયાની કંપની સ્પૂતનિક-વીનો દાવો છે કે, કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટનો સામનો કરવામાં તેમની વૅક્સિન અન્ય કંપનીઓની કોરોના વિરોધી રસીની સરખામણીમાં વધુ અસરકારક છે. ભારતમાં સ્પૂતનિક-વીનું નિર્માણે ડૉ રેડ્ડીઝ લેબોરેટરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વૅક્સિન ગત 18મીં મેથી દેશમાં વૅક્સિનેશન માટે બનાવવામાં આવેલી CoWin એપ પર કેટલાક મુખ્ય શહેરો માટે ઉપલબ્ધ છે.

હકીકતમાં ડેલ્ટા વેરિએન્ટનો પ્રથમ કેસ ભારતમાં જ ગત વર્ષે ઓક્ટોબરમાં નોંધવામાં આવ્યો હતો. સ્પૂતનિક વીના ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ દેશમાં વૅક્સિનેશન અભિયાનમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન ઉપરાંત ત્રીજી રસી તરીકે પ્રથમ વિદેશી વૅક્સિનના વિકલ્પ તરીકે સ્પૂતનિક સામે આવી છે.

થોડા દિવસો પહેલા સામે આવ્યું હતું કે, ફાઈઝર, એસ્ટ્રાજેનેકાની કોરોના વિરોધી રસી ડેલ્ટા વેરિએન્ટ સામે બચાવી શકે છે. ડેલ્ટા વેરિએન્ટ બ્રિટનના આલ્ફા વેરિએન્ટ કરતાં વધારે ઘાતક છે.

પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડ અને યુનિવર્સિટી ઑફ એડિનબર્ગ, બ્રિટનના રિસર્ચરો જણાવ્યું કે, ફાઈઝર બાયોએનટેકની વૅક્સિન ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વૅક્સિનની સરખામણીમાં વધારે અસરકારક છે. ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વૅક્સિનનું ઉત્પાદન ભારતમાં કોવિશીલ્ડના નામે થઈ રહ્યું છે.

આ રિસર્ચમાં ગત 1 એપ્રિલથી 6 જૂન સુધીના આંકડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. રિસર્ચરોની ટીમે આ દરમિયાન સાર્સ-સીઓવી-2ના સંક્રમણના 19,543 કેસનો અભ્યાસ કર્યો. જેમાં 377 લોકોને સ્કોટલેન્ડમાં કોવિડની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેમાંથી 134 કેસમાં કોરોના વાઈરસના ડેલ્ટા વાઈરસની જાણ થઈ હતી.

આટલું જ નહીં, રિસર્ચમાં સામે આવ્યું કે, ફાઈઝરની વૅક્સિનના બીજા ડોઝના બે સપ્તાહ બાદ આલ્ફા વેરિએન્ટના વિરુદ્ધ 92 ટકા એન્ટિબૉડી અને ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ 79 ટકા એન્ટિબોડી બની છે. આ પ્રકારે એસ્ટ્રેજેનેકાની વૅક્સિન ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ 60 ટકા સુરક્ષિત છે, જ્યારે આલ્ફા વેરિએન્ટ વિરુદ્ધ તે 73 ટકા સુધી સુરક્ષિત મળી આવી છે.

(4:47 pm IST)