મુખ્ય સમાચાર
News of Sunday, 16th June 2019

કેરળમાં ટ્રાફિક પોલીસકર્મીએ મહિલા પોલીસ અધિકારી પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવતા કરૂણ મોત

નવી દિલ્‍હી : કેરળથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કેરળના માવેલિક્કારામાં એક ટ્રાફિક પોલીસકર્મીએ કથિત રીતે મહિલા પોલીસ અધિકારી પર પેટ્રોલ છાંટી તેમને જીવતી સળગાવી દીધી. પોલીસને મળતી માહિતી મુજબ, 34 વર્ષીય મહિલા પોલીસ અધિકારીનું શનિવારે મોત થઈ ગયું.

મહિલા પોલીસ અધિકારી સૌમ્યા પુષ્પાકરન માવેલિક્કારાના વલ્લીકુન્નુમ પોલીસ સ્ટેશનમાં તહેનાત હતી. ન્યૂઝ વેબસાઇટ માતૃભૂમિના રિપોર્ટ મુજબ, સૌમ્યાના ત્રણ બાળકો છે અને તેમનો પતિ વિદેશમાં નોકરી કરે છે. મૂળે, મહિલા પોલીસ અધિકારી જ્યારે ડ્યૂટી બાદ ઘરે પરત આવી રહી હતી ત્યારે આરોપીએ તેમની પર કથિત રીતે પેટ્રોલ છાંટી આગને હવાલે કરી દીધી.

રિપોર્ટ મુજબ, 34 વર્ષીય સૌમ્યા પુષ્પાકરન ટુ-વ્હીલરથી ઘરે જઈ રહી હતી. તે દરમિયાન એક કારે તેની ટક્કર મારી દીધી. આરોપી કારથી કુહાડી લઈને બહાર આવ્યો. આરોપીની ઓળખ એઝાઝ તરીકે થઈ છે. સૌમ્યા પોતાનો જીવ બચાવવા માટે ભાગીને પાસેના એક મકાનમાં છુપાઈ ગઈ.

એઝાઝ પણ ત્યાં પહોંચી ગયો અને તેણે સૌમ્યાને પકડી લીધી. ત્યારબાદ તેણે પેટ્રોલ છાંટી તેમને આગને હવાલે કરી દીધી. ભયાનક રીતે સળગી જવાના કારણે સૌમ્યાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ફોરેન્સિક અધિકારી ઘટના સ્થળ પર તપાસ કરી રહ્યા છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મહિલા પોલીસ અધિકારીને સળગાવવા દરમિયાન આરોપી પણ દાઝી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હુમલાના કારણની તપાસ કરી રહી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપીને અલપ્પુઝામાં સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની પૂછપરછ બાદ જ ઘટનાનું કાણ જાણી શકાશે.

(2:39 pm IST)