મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

ચારધામ યાત્રામાં ૧૩ દિવસમાં ૩૯ લોકોનાં મોતથી તંત્ર ચિંતિત

ચારખંડ યાત્રામાં આરોગ્ય માટેની ખાસ ગાઈડલાઈન : આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોતને કારણે આરોગ્ય સેવાઓની સજ્જતા પર સવાલો ઉઠી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૬ : ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી શ્રદ્ધાળુઓ મોટા ભાગે ચાર ધામ યાત્રાએ જઇ રહ્યાં છે, પણ આ વચ્ચે શ્રદ્વાળુઓ મોતને પણ ભેટી રહ્યાં છે. અત્યાર સુધીમાં યાત્રામાં ૩૯ શ્રદ્ધાળુઓના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના મહાનિર્દેશક ડૉ. શૈલજા ભટ્ટે જણાવ્યું કે, શ્રધ્ધાળુઓના મૃત્યુનું કારણ હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયાક પ્રોબ્લેમ અને માઉન્ટેન સિકનેસ (ઊંચાઈ સંબંધિત સમસ્યા) છે. આ વર્ષે ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થયાને માત્ર ૧૩ દિવસ જ થયા છે, આવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોતને કારણે આરોગ્ય સેવાઓની સજ્જતા પણ પર સવાલો ઉઠી રહ્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ચાર ધામ યાત્રામાં ભક્તોના આ મૃત્યુને ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રીની સૂચના પર, રાજ્યના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જારી કરી અને મંદિરોમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને દરેક ધામમાં દર્શન માટે દૈનિક ભક્તોની મહત્તમ સંખ્યામાં એક હજારનો વધારો કર્યો.

આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી-ચારેય ધામોમાં - ૨૭૦૦ મીટરથી વધુની ઉંચાઈ પર સ્થિત - તીર્થયાત્રીઓ અતિશય ઠંડી, ઓછી ભેજ, ઓછા હવાના દબાણના સંપર્કમાં આવે છે. ઓક્સિજનની ઓછી માત્રા  થી પ્રભાવિત થઈ શકે છે, તેથી તેઓએ તબીબી તપાસ પછી જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સિવાય પહેલાથી જ બીમાર લોકોને તેમના ડૉક્ટરનો રિપોર્ટ, તેમની દવાઓ અને ડૉક્ટરનો ફોન નંબર તેમની સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે અન્ય બીમારી જેમા હૃદયરોગ, શ્વસન સંબંધી રોગ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શનના દર્દીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં જતી વખતે ખાસ કાળજી રાખવા જણાવાયું છે. આ સિવાય, તીર્થયાત્રીઓને મંદિર સુધી પહોંચતા પહેલા માર્ગમાં એક દિવસનો આરામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

આ નવી માર્ગદર્શિકા અનુસાર જો તમને આ લક્ષણો જણાય તો તમારે કેન્દ્ર અને હેલ્પલાઇન નંબર ૧૦૪ પર સંપર્ક કરવા જણાવાયુ છેઃ શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, ચક્કર આવવા, ગભરાટ, ઝડપી ધબકારા, ઉલટી, હાથપગ અને હોઠ વાદળી થવા, થાક ઉધરસ.

મહત્વનું છે કે, કોરોના સંક્રમિત લોકો માટે આ મુસાફરી કરવાની ના જ પાડી છે. ખૂબ જ વૃદ્ધ હોય અને બીમાર હોય તે લોકો પણ મુસાફરી કરવાની મનાઇ છે અથવા તેને થોડા સમય માટે મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે.

(8:05 pm IST)