મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

એક રસોડે બને છે ૬ર લોકોની રસોઇઃ કલ્યાણ પરિવાર સંયુકત પરિવારની મિસાલ

આજના યુગમાં ૩-૪ લોકોના પરિવારમાં પણ કલેશ જોવા મળે છે ત્યારે આ પરિવાર પાસેથી પ્રેરણાની જરૂર : દોઢ એકરમાં બનેલ ઘરમાં પ૭ રૂમમાં ૪ પેઢીઓનો નિવાસઃ સૌથી મોટા સભ્ય ૭પ વર્ષના સૌથી નાની સભ્ય ચિમી ૧૦ માસની

ગયા તા. ૧૬: બોધ ગયામાં સમાજ સેવા માટે મિસાલ બની ચૂકેલ કલ્યાણ પરિવારની ખુબીઓ અનેક મામલાઓમાં અન્યો માટે પ્રેરણા સ્ત્રોત બની ચૂકી છે. સામાન્ય રીતે નાની-નાની વાતોમાં ઘરોમાં થતી પારિવારીક કલહથી ઘેરાયેલાઓ માટે આ પરિવારની એક જુટતાથી બીજાઓએ શીખવાની જરૂર છે.

ઘરના મોભી કૃષ્ણ કન્હૈયા પ્રસાદ અને તેમના પત્ની રાધીકાદેવીની સમગ્ર પરિવારને એક તાંતણે બાંધી રાખવાની મુખ્ય ભૂમિકા છે. કલ્યાણ પરિવારમાં કુલ ૬ર સભ્યો છે. લગભગ દોઢ એકરમાં ફેલાયેલ કલ્યાણ હાઉસ પરિસરમાં પ૭ રૂમ છે. દરેક પરિવાર માટે અલાયદો ઓરડો છે.

પરિવારના ૯ પુત્રો પોતાના અલગ વ્યવસાય ધરાવે છે. ઉપરાંત એનજીઓના માધ્યમથી વિસ્તારના ગરીબ, અસહાય અને જરૂરીયાતમંદ લોકોની સેવા માટે પણ કલ્યાણ    પરિવારની      અલગ ઓળખ છે.

કલ્યાણ પરિવાર ૪ પેઢીઓ એક સાથે જીવે છે. જેમાં સૌથી મોટા કન્હૈયા પ્રસાદની ઉંમર ૭પ અને સૌથી નાના સભ્ય ચિમીની ઉંમર ૧૦ માસ છે. કન્હૈયા પ્રસાદના ૬ પુત્રો અને ૪ પુત્રીઓ છે. જયારે સ્વ. લખનસિંહના ૩ પુત્રો છે. તેની ૩ બહેનો પણ છે. ૯ ભાઇઓ વચ્ચે ર૧ બાળકો છે. જેમાંથી બે પુત્રો અને બે પુત્રીઓ વિવાહીત છે. હાલ ઘરમાં ૧ર દંપતિઓ છે.

કલ્યાણ પરિવારની એકતાનું મુખ્ય કારણ ૬ર સભ્યોનું એક જ રસોડે બનતું ભોજન છે. બધા સભ્યો સાથે જ ભોજન કરે છે. ૯ ભાઇઓમાં સૌથી મોટા અજયસિંહે જણાવેલ કે, આખા પરિવારને એક સુત્રતામાં પરોવી રાખવા અમારા કાકા સ્વ. રામલખનસિંહ અને કાકી સ્વ. ગંગાદેવીની ભૂમિકા અહંમ રહેલ. હવે આખા પરિવારની જવાબદારી મારા માતા-પિતાની છે. કાકાની જેમ જ પિતા પણ સંયુકત પરિવારમાં વિશ્વાસ રાખે છે. એટલે જ આ જ દિવસ સુધી ઘરના ભાગ નથી પડયા.

(3:04 pm IST)