મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

પાર્ટીને ફરી તાકાતથી ઉભી કરવા રાહુલ ગાંધી કાશ્મીરથી કન્યાકુમારીની યાત્રા કરશે :મોટા ભાગની હશે 'પદયાત્રા'

કોંગ્રેસ દેશના લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરશે.: લોકો સાથે સંપર્ક વધારશે

રાજસ્થાનના ઉદયપુર ખાતે કોંગ્રેસની 'નવ સંકલ્પ શિબિર'નો આજે અંતિમ દિવસ છે. ત્યારે જાણવા મળ્યા મુજબ કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ પાર્ટીને ફરી પૂરી તાકાત સાથે ઉભી કરવા માટે રાહુલ ગાંધીની 'પદયાત્રા'નો પ્લાન ઘડ્યો છે.

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આગામી એક વર્ષમાં કાશ્મીરથી કન્યાકુમારીની યાત્રા કરશે જેમાં મોટા ભાગની 'પદયાત્રા' હશે. તેના દ્વારા કોંગ્રેસ દેશના લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરશે. તે સિવાય G23 (કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનના પક્ષધર નેતા) નેતાઓએ કોંગ્રેસ પાર્ટી પાર્લામેન્ટ્રી બોર્ડ બનાવવાની માગણી કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 'નવ સંકલ્પ શિબિર'ના બીજા દિવસે એટલે કે, 14મી મેના રોજ પાર્ટીના મહાસચિવો, પ્રદેશ પ્રભારીઓ, પ્રદેશ એકમના અધ્યક્ષો, ધારાસભ્ય દળના નેતાઓ અને અન્ય કેટલાય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉપરોક્ત વિષયો પર ચર્ચા થઈ હતી અને સૌએ તે યોજના માટે સહમતિ દર્શાવી હતી.

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, પી. ચિદંબરમ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કમલનાથ, યુથ કોંગ્રેસ અધ્યક્ષ બીવી શ્રીનિવાસ, ગૌરવ ગોગોઈ, અશોક ગેહલોત સહિત અન્ય કેટલાય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા.

.

(11:48 pm IST)