મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

અંબાતી રાયડુની નિવૃત્તિની જાહેરાત :અડધા કલાકમાં તે ટ્વીટ ડિલિટ કરતાં ફેરવી તોળ્યું

ચેન્નાઈના મેનેજમેન્ટે રાયડુની સાથે વાતચીત કરી અને તેને સમજાવ્યો હતો બાદમાં ટ્વીટ ડિલિટ કરી હોવાની ચર્ચા

મુંબઈ : આઇપીએલના ઈતિહાસમાં સૌથી સફળ બે ટીમમાં સ્થાન ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ સિઝનમાં સુપર ફ્લોપ સાબિત થઈ હતી. જાડેજાને કેપ્ટન બનાવ્યા બાદ ટીમ ખાસ પર્ફોમન્સ આપી શકી નહતી અને ત્યાર બાદ તેના બદલે ફરી ધોનીને સુકાન સોંપવામાં આવ્યું હતુ. ચેન્નાઈની ટીમમાં સામેલ ૩૬ વર્ષીય બેટ્સમેન અંબાતી રાયડુએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

રાયડુએ તેની ટ્વિટમાં લખ્યું હતું કે, હું એ જાહેરાત કરતાં આનંદ અનુભવી રહ્યો છું કે, આ મારી આખરી આઈપીએલ છે. હું ૧૩ વર્ષની આઇપીએલ કારકિર્દીમાં બે ધુરંધર ટીમનો હિસ્સો રહ્યો હતો. હું ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો આભાર માનું છું.

જોકે રાયડુએ અડધા જ કલાકમાં આ ટ્વીટને ડિલિટ કરી દીધી હતી. વિવાદોથી ઘેરાયેલા ચેન્નાઈના મેનેજમેન્ટે રાયડુની સાથે વાતચીત કરી હતી અને તેને સમજાવ્યો હતો. જે પછી તેણે તેની ટ્વીટ ડિલિટ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ચાલુ સિઝનમાં રાયડુ ખાસ કમાલ દેખાડી શક્યો નથી. તેણે ૧૨ મેચમાં ૨૭.૧૦ની સરેરાશથી ૨૭૧ રન જ નોંધાવ્યા છે. ચેન્નાઈની ટીમમાં આંતરિક વિવાદની ચર્ચા ચાલી રહી છે. જાડેજાને કેપ્ટન તરીકે દૂર કરવામાં આવ્યો. જે પછી જાડેજા ઈજાગ્રસ્ત બનીને ચેન્નાઈની બાકીની મેચમાંથી ખસી ગયો હતો. જાડેજા અને ચેન્નાઈએ એકબીજાને સોશિયલ મીડિયામાં અનફોલો કરતાં બંનેએ છેડો ફાડયાની ચર્ચા ચાલી હતી.

(10:51 pm IST)