મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

તૌકતે વાવાઝોડા કેરળ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવી : ગુજરાત તરફ આગળ વધ્યું : છ લોકોનાં મોત

ભાવનગર જિલ્લામાં, પોરબંદર અને મહુવા વચ્ચે મંગળવારે વહેલી સવારે પસાર થઇ શકે

નવી દિલ્હી : રવિવારે કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ હવે ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા હતા. તૌકતે વાવાઝોડા ને કારણે બનેલી ઘટનાઓમાં છ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને લાઇટના થાંભલાઓ અને ઝાડ ઉખડી ગયા હતા. જેના લીધે લોકોને પોતાનાં ઘર છોડીને સલામત સ્થળોએ જવું પડ્યું હતું. તેમજ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

ભારતીય હવામાન ખાતા (આઈએમડી) એ કહ્યું કે ખૂબ જ તીવ્ર તૌકતે વાવાઝોડા આગામી 24 કલાકમાં તીવ્ર બની શકે છે અને સોમવારે સાંજ સુધીમાં તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. આઇએમડીએ એક બુલેટિનમાં કહ્યું છે કે તે ભાવનગર જિલ્લામાં , પોરબંદર અને મહુવા વચ્ચે મંગળવારે વહેલી સવારે પસાર થઇ શકે છે.

આ દરમ્યાન ગુજરાતના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત તૌકતે વાવાઝોડા સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને મોડી રાત સુધીમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.

(11:28 pm IST)