મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

અદના આદમીના અધિકારી અને “ચાલો ગુજરાત” અને “ચલો ઇન્ડિયા”ના પ્રણેતા સુનીલ નાયક અને પ્રફ્ફૂલભાઈ નાયક ના પિતા શ્રી મનુભાઈ નાયકની ચીરવિદાય

મુબઈ રાજ્ય અને ત્યારબાદ ગુજરાત રાજ્યમાં ઉચ્ચ અધિકારી રહી ચુકેલા શ્રી મનુભાઈ નાયકનું શુક્રવારે ૧૪મી મે ના રોજ સવારે ૪:૦૦ વાગ્યે અમદાવાદ ખાતે ૯૨ વર્ષની વયે દુખદ અવસાન થયું છે.

દીપતિબેન જાની દ્વારા - ન્યૂજર્સી : વડનગરમાં જન્મેલા મનુભાઈએ અભ્યાસ બાદ કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૨માં દ્વારકા કોર્ટથી કરેલી. ૧૯૫૬માં ત્યારના મુંબઈ રાજ્યમાં અધિકારી તરીકે જોડાયા. ગુજરાત રાજ્યની સ્થાપના સાથે તેઓ મુંબઈથી ગાંધીનગર આવ્યા. ૧૯૮૯મા નિવૃત્ત થયા ત્યાં સુધી મનુભાઈ જુદા જુદા ઘણા મંત્રીઓના પર્સનલ સેક્રેટરી રહી ચૂકયા હતા. તે ઉપરાંત રાજ્યના વિવિધ ખાતાઓમાં ઉચ્ચ અધિકારી કાર્યરત રહ્યા હતા.સ્પષ્ટવકતા, કડક, શિસ્ત અને અનુશાશન પ્રેમી મનુભાઈ તેમની હાસ્યવૃત્તિ, લોકો માટે સ્નેહ અને અનુકંપા ને પણ સાથોસાથ રાખતા.

પોતાની અધિકારી તરીકેની કારકિર્દી દરમ્યાન જોરાવર લોકોને કાયદો દર્શાવાની ક્ષમતા રાખતા પણ સાથે ને સાથે સામાન્ય લોકો માટે ઋજુ હદય રાખતા અને સમાજ અને સામાન્ય લોકોને ઉપયોગી બનવા સમેશા અગ્રેસર રહ્યા. નિવૃત્તિ બાદ પણ લોકોના કામ કરવામાં તેમણે કયારેય પીછેહઠ નહોતી કરેલી. કોઈ NGO ને શરમાવે તેવી ધગશથી લોક ઉપયોગી કાર્યો આજીવન કરતા રહ્યા. તેમના અવસાનથી પ્રજાતરફી અભિગમ રાખનારા જૂની પેઢીના અધીકારી વર્ગમાંના એક અનેરા વ્યકતિત્વને ગુજરાતે ગુમાવ્યું છે.

મનુભાઈના સંતાનો અમેરિકા સ્થિત સફળ બિઝનેસમેન સુનીલ નાયક, અતુલ નાયક, અને અમદાવાદ સ્થિત પ્રફ્ફૂલભાઈ નાયક “ચાલો ગુજરાત” અને “ચલો ઇન્ડિયા”ના પ્રણેતા છે અને ગુજરાતની અસ્મિતાને અમેરિકામાં બરકરાર વરસોથી રાખી છે. મનુભાઈ તેમની પાછળ પત્ની, પાંચ પુત્ર, એંક પુત્રી, વિશાલ પરિવાર અને બૃહદ સ્વજનોને વિલાપમાં છોડી ગયા છે.

(1:28 pm IST)