મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

નવી દિલ્હીમાં બે માસુમ બાળકોને કોરોના ભરખી ગયો !!

ત્રીજી લહેરની વહેતી થયેલી આશંકાઓ વચ્ચે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં બે માસુમ બાળકોના કરૃણ મૃત્યુ થયા

નવી દિલ્હી, : કોરોના સંક્રમણની બીજી લહેરનો હજુ અંત નથી આવ્યો ત્યાં નિષ્ણાતો અને ડૉક્ટર્સ ત્રીજી લહેરમાં નાના બાળકો પર સૌથી વધુ જોખમ હોવાની ચેતવણી આપી રહ્યા છે. ત્યારે અત્યારથી જ તેની અસર પણ દેખાવા લાગી છે. છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં કોરોનાના કારણે 5 વર્ષની પરી અને 9 વર્ષના ક્રિશુનું મૃત્યુ થયું છે. દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી હતી.

ઉત્તર પૂર્વીય દિલ્હીના નંદનગરી વિસ્તારમાં રહેતા પ્રહ્લાદ અને તેમના પત્ની ઉપરાંત પરિવારના સૌ સદસ્યો પરીના અકાળે અવસાનથી શોકમાં છે. કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 6 મેના રોજ પરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને 6 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને બુધવારે સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

બીજી બાજુ ઉત્તર પૂર્વીય દિલ્હીની દિલશાદ કોલોનીમાં રહેતા શશાંક શેખરે પોતાના 9 વર્ષના બાળકને ગુમાવ્યો છે. તેઓ પોતે કોરોના પોઝિટિવ છે અને રાજીવ ગાંધી હોસ્પિટલમાં સારવાર અંતર્ગત છે. આ દરમિયાન ગુરૂવારે તેમના બાળકનું મૃત્યુ થયું હતું.

જીટીબી હોસ્પિટલમાંથી મળતા અહેવાલ પ્રમાણે બંને બાળકનું ઓક્સિજન લેવલ 30થી નીચે પહોંચી ગયું હતું અને લંગ્સ ઈન્ફેક્શન ખૂબ જ વધી ગયું હોવાથી તેમને બચાવવા અસંભવ થઈ ગયા હતા.

(12:13 pm IST)