મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

શાહજહાંપુરમાં વરરાજાએ દહેજમાં રામાયણની પ્રત માગી

સમાજિક દૂષણને ફગાવનારો યુપીનો અનોખો કિસ્સો : યુપીમાં અનોખી માગ કરતા હાજર લોકો આશ્ચર્યચકિત, માત્ર ૧૭ મિનિટમાં લગ્નની વીધિ સંપન્ન થઈ ગઈ

લખનૌ, તા. ૧૫ : ભારતમાં દહેજનુ દુષણ આજે પણ એટલુ જ વ્યાપક છે. દહેજના કારણે હજારો મહિલાઓના લગ્ન જીવન તુટી જાય છે તો કેટલીક મહિલાઓને આત્મહત્યા કરવી પડે છે. અમુક કિસ્સામાં તો દહેજ માટે જાન માંડવામાંથી પાછી ફરી જાય છે.

આ સામાજિક દુષણ સામે અવાજ ઉઠાવનારા પણ છે. યુપીના શાહજહાંપુરમાં આવો જ એક અનોખો કિસ્સો બન્યો છે. જેમાં યુવકે દહેજ પ્રથાના દુષણ સામે દાખલો બેસાડવા માટે અનોખી રીતે લગ્ન કર્યા હતા. તેણે દહેજ તો માંગ્યુ હતુ પણ દહેજમાં એવી વસ્તુ માંગી હતી કે, લગ્નમાં હાજર લોકો પણ વિચારતા થઈ ગયા હતા. આ લગ્નની વિધિ પણ ૧૭ જ મિનિટમાં સંપન્ન કરાઈ હતી. આખો મામલો એવો છે કે, પુષ્પેન્દ્ર દુબેના લગ્ન પ્રીતિ તિવારી સાથે થવાના હતા પણ લગ્ન પહેલા જ પુષ્પેન્દ્રએ શરત મુકી હતી કે, લગ્ન સાદાઈથી જ પૂરા થશે.લગ્નમાં કોઈ જાતની ઝાકઝમાળ નહીં હોય.જેના પગલે એક મંદિરમાં લગ્નનુ આયોજન કરાયુ હતુ. જેમાં બહુ ઓછા મહેમાનો સામેલ થયા હતા. પરંપરાગત લગ્નની જેમ બેન્ડવાજા સાથે જાન પણ નહોતી નીકળી. માત્ર પ્રીતિ અને પુષ્પેન્દ્રના પરિવારના કેટલાક સભ્યો જ લગ્નમાં સામેલ થયા હતા. મંદિરમાં સાત ફેરા લીધા હતા અને લગ્ન પૂરા થઈ ગયા હતા. ૧૭ જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા હતા પણ તેમાં સૌથી વધારે ધ્યાન ખેંચનારી વાત એ હતી કે, યુવતીના પરિવારજનો પુષ્પેન્દ્રને દહેજ આપવા માંગતા હતા પણ પુષ્પેન્દ્રએ આ માટે ના પાડી દીધી હતી. જ્યારે યુવતીના પરિવારજનો દહેજ માટે જીદ કરતા રહ્યા ત્યારે પુષ્પેન્દ્રએ તેમની પાસે રામાયણની એક પ્રત દહેજમાં માંગી હતી. વરરાજાની માંગણી સાંભળીને દુલ્હન પ્રીતિના પરિવારજનો હેરાન થઈ ગયા હતા. જોકે એ પછી તરત જ રામાયણની પ્રત દોડધામ કરીને મંગાવવામાં આવી હતી અને પુષ્પેન્દ્રએ આ દહેજ સ્વીકારી લીધુ હતુ. જોકે હવે આ કિસ્સાની ખાસી ચર્ચા છે. પુષ્પેન્દ્ર અને પ્રીતિ હવે બીજા લોકોને પણ લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને દહેજ નહીં લેવા માટે અપીલ કરી રહ્યા છે.

(12:00 am IST)