મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

યુવતીને જંગલમાં લઈ જઈ ૨૫ જણાએ ગેંગરેપ કર્યો

ફેસબુક ફ્રેન્ડના પ્રેમમાં પડેલી યુવતીનો કરૂણ અંજામ : પ્રેમિને મળવા નિકળેલી યુવતીને જંગલમાં લઈ જવાઈ જ્યાં તેના પર નરાધમો રેપ કરી તેને સરહદે મૂકીને નાસી ગયા

ગુરુગ્રામ, તા. ૧૫ : ફેસબુક ફ્રેન્ડના પ્રેમમાં પડી તેના માતાપિતાને મળવા નીકળેલી યુવતી પર કલ્પના ના કરી શકાય તેવી રીતે પાશવી ગેંગરેપ થયો છે. દિલ્હીમાં રહેતી યુવતી હરિયાણામાં આવેલા હોડલમાં રહેતા પોતાના પ્રેમીને મળવા માટે નીકળી હતી. પ્રેમીએ તેને વચન આપ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, અને તેને પોતાના માતાપિતાને મળાવવા માગે છે. જોકે, યુવતી પ્રેમીને મળવા પહોંચી ત્યારે તે તેને ઘરે લઈ જવાના બદલે જંગલમાં લઈ ગયો હતો.

આ સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે, દિલ્હીમાં રહીને હાઉસ કિપિંગનું કામ કરતી ૨૨ વર્ષની સ્નેહા (નામ બદલ્યું છે)ને પાંચેક મહિના પહેલા સાગર નામના એક યુવક સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના ફોન નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્રણ મહિના સુધી ફોન પર વાત કર્યા બાદ સાગરે સ્નેહા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે પોતાના માતાપિતાને મળવા સ્નેહાને હરિયાણા આવવા માટે કહ્યું હતું.

સ્નેહા ત્રીજી મેના રોજ સાગરને મળવા માટે પહોંચી હતી. જોકે, સાગર તેને ઘરે લઈ જવાના બદલે સામગઢ ગામના જંગલ એરિયામાં લઈ ગયો હતો. જ્યાં એક ટ્યૂબવેલ પાસે સાગરનો ભાઈ સમંદર કેટલાક મિત્રો સાથે બેસીને દારુ પી રહ્યો હતો. જાણે સાગરની રાહ જોઈને જ બેઠા હોય તેમ તમામ લોકો ત્યાં પહોંચેલી સ્નેહાની છેડતી કરવા લાગ્યા હતા, અને તમામે આખી રાત એક પછી એક કરીને ગેંગરેપ ગુજાર્યો હતો.

બીજા દિવસે સવારે સ્નેહાને એક ભંગારના વેપારીને ત્યાં લઈ જવામાં આવી હતી, ત્યાં પણ પાંચ લોકોએ તેના પર ગેંગરેપ કર્યો હતો. આખરે સ્નેહાની હાલત ખરાબ થઈ જતાં પાંચ લોકો તેને બદરપુર બોર્ડર પાસે મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સ્નેહા એટલી ડરી ગઈ હતી કે તે છેક ૧૨મી મેના રોજ હસનપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં સાગર સહિત ૨૪ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે ગેંગરેપ બાદ તેની હાલત ખરા થઈ ગઈ હતી. તે પોલીસ ફરિયાદ કરવાની હાલતમાં પણ નહોતી. આ મામલે પોલીસે ૨૫ લોકો વિરુદ્ધ અપહરણ, ગેંગરેપ, ગુનાઈત કાવતરા સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી છે. મુખ્ય સૂત્રધાર સાગરની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાગરની પૂછપરછ બાદ બાકીના ૨૪ લોકોને પણ જલ્દી પકડી લેવાશે તેમ એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

(12:00 am IST)