મુખ્ય સમાચાર
News of Saturday, 16th May 2020

કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને ૮.૮ લાખ કરોડ ડોલર સુધીનું નુકસાન થશે

દક્ષિણ એશિયાના જીડીપીમાં ૩.૯ ટકાથી ૬ ટકાનો ઘટાડો થશે, બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનમાં કડક પ્રતિબંધોને કારણે દક્ષિણ એશિયાના જીડીપીમાં મોટો ઘટાડો નોંધાશે

નવી દિલ્હી, તા.૧૬: કોરોના વાઇરસ મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ૫.૮ થી ૮.૮ લાખ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છ તેમ એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

કોરોના વાઇરસને કારણે દક્ષિણ એશિયાનો જીડીપી ૧૪૨ અબજ ડોલરથી ૨૧૮ અબજ ડોલર રહેવાનો અંદાજ છે. એડીબીના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ૫.૮ લાખ કરોડ ડોલરથી લઇને ૮.૮ લાખ કરોડ ડોલર એટલે કે ૬.૪ ટકાથી લઇને ૯.૭ ટકા સુધીનું નુકસાન થવાનો અંદાજ છે.

મનિલામાં હેડકવાર્ટર ધરાવતી એડીબીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે જો ત્રણ મહિના લોકડાઉન ચાલશે તો ૧.૭ લાખ કરોડ ડોલર અને છ મહિના લોકડાઉન ચાલશે તો ૨.૫ લાખ કરોડ ડોલરનું નુકસાન થશે. જેના કારણે વૈશ્વિક અર્થતંત્રને ૩૦ ટકાનું નુકસાન થશે.

પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના(પીઆરસી)ને ૧.૧ ટ્રિલિયન થી ૧.૬ લાખ કરોડ ડોલરનું નુકસાન થશે. ૩ એપ્રિલના રોજ પ્રકાશિત થયેલા એશિયન ડેવલોપમેન્ટ આઉટલુક(એડીઓ) ૨૦૨૦ જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ૨ લાખ કરોડ ડોલરથી લઇને ૪.૧ લાખ કરોડ ડોલરનું નુકસાન થશે.

આ અગાઉ ૬ માર્ચના રોજ તેણે અંદાજ મૂકયો હતો કે કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને ૭૭ અબજ ડોલરથી ૩૪૭ અબજ ડોલરનું નુકસાન(વૈશ્વિક જીડીપીના ૦.૧ થી ૦.૪ ટકા) થશે.

(10:34 am IST)