મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

બંગાળમાં ચૂંટણી પ્રચારનો અંત : હિંસા બાદથી નિર્ણય

છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી દ્વારા પ્રચાર : વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદથી ચૂંટણી પંચ દ્વારા કઠોર નિર્ણય : ૧૯મી મેના દિવસે ૯ લોકસભા સીટ માટે વોટિંગ

નવી દિલ્હી, તા. ૧૬ : પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા બાદ ચૂંટણી પ્રચારનો નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા જ અંત આવી ગયો છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી પ્રચારનો અંત શુક્રવારે સાંજે પાંચ વાગે આવવાનો હતો પરંતુ હવે આજે મોડી રાતથી ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો. ચૂંટણી પંચ દ્વારા કઠોર કાર્યવાહી કરીને એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રચારનો અંત કરી દીધો છે. બંગાળમાં લોકસભાની નવ સીટો ઉપર છેલ્લા તબક્કામાં ૧૯મીના દિવસે મતદાન થનાર છે. પ્રચારનો અંત આવી ગયા બાદ હવે કોઇ રાજકીય પક્ષ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણી પંચે સીઆઈડી એડીજી અને રાજ્યના પ્રધાન સચિવને પણ દૂર કરી દીધા છે. ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યું છે કે, બંગાળમાં છેલ્લા કેટલાક દિવસમાં બનેલી ઘટનાઓ અને ખાસ કરીને છેલ્લા ૨૪ કલાકમાં જે કંઇપણ ઘટના ઘટી છે તેના આધાર પર આ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજકીય પક્ષો તરફથી મળેલી ફરિયાદો, પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચના ડીઈસીના અહેવાલ અને ખાસ નિરીક્ષક અજય નાયક તથા વિવેક દુબેના સંયુક્ત રિપોર્ટના આધાર પર આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચારનો અંત આવી ગયા બાદ હવે કોઇપણ પ્રચાર શક્ય બની શકશે નહીં. ૧૯મી મેના દિવસે બંગાળની નવ સીટો ઉપર મતદાન થનાર છે. તમામ રાજકીય પક્ષો પ્રચારમાં પુરી તાકાત લગાવી દીદી છે. મંગળવારના દિવસે ભાજપ પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. આ ગાળા દરમિયાન કોલેજમાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી પાડવામાં આવી હતી. આને લઇને એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બંગાળમાં ચૂંટણી પ્રચારનો અંત આવી ગયા બાદ હવે શાંતિપૂર્ણ રીતે માહોલ રહે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા બંગાળમાં અંતિમ તબક્કાની ચૂંટણી માટે વધારાના જવાનો પણ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે સુરક્ષાની ખાતરી કરવા વિવિધ પગલા લીધા હતા. મોદીએ મથુરાપુર અને ડમડમમાં મોડી સાંજે જનસભાઓ યોજી હતી. તોફાની તત્વો સામે કાર્યવાહી કરવા માટેના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. બીજી બાજુ ભાજપના લોકોએ ચૂંટણી પંચને મળીને મમતા બેનર્જી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રકાશ જાવડેકર અને મુખ્તાર અબ્બાસ નકવી ચૂંટણી પંચને મળ્યા હતા અને કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી પાર્ટી અધ્યક્ષ અમિત શાને ગુંડા તરીકે કહી રહ્યા છે. તેમની સભ્યતા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

(7:50 pm IST)