મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

નરેન્દ્રભાઇ - અમિતભાઇ સતત આચારસંહિતા તોડી રહ્યા છે : કોંગ્રેસ

વડાપ્રધાનની ૨ રેલીઓ યોજાય જાય તે માટે જ રાત્રે ૧૦ પછી ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂકાયો

નવી દિલ્હી તા. ૧૬ : પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા બાદ હવે વિપક્ષી નેતાઓનો રોષ સામે આવી રહ્યો છે. કોંગે્રસે પણ ચૂંટણી પંચે બંગાળમાં કરેલી કાર્યવાહી પણ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ચૂંટણી પંચ પર કટાક્ષ કરતા કહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ સતત આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે. ચૂંટણી પંચના નિર્ણયથી મોદીનો રસ્તો સાફ થયો છે.

ચૂંટણી પંચે પીએમ મોદી અને અમિત શાહ સામે સરન્ડર કર્યુ છે. ચૂંટણી પંચે મોદીની રેલીનું પૂરતું ધ્યાન રાખ્યું છે. કોલકાતામાં વિદ્યાસાગરની મૂર્તિ પણ ભાજપે તોડી છે. ચૂંટણી પંચે ભાજપને ફાયદો પહોંચાડ્યો છે. આ જોઈને લાગે છે કે દેશમાં નિષ્પક્ષ ચૂંટણીની પ્રક્રિયા ખતરામાં છે. ચૂ્ંટણી પંચ મૂકપ્રેક્ષક બની રહ્યું છે પણ કોઈ કાર્યવાહી કરતું નથી.

ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આયોગે પીએમ મોદીની ૨ રેલી માટે આજ રાતના ૧૦ વાગ્યા બાદ ઙ્ગપશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. ચૂંટણી આયોગે પીએમ મોદીની રેલીનું ધ્યાન રાખ્યું છે. જો બંગાળમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદવો હતો તો આજ સવારથી કેમ નહીં ?

ચૂંટણી પ્રચાર પર રોકનો નિર્ણય સંવિધાન વિરૂધ્ધ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં હિંસા થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સતત આચાર સંહિતાનો ભંગ કરી રહ્યાં છે.

(3:51 pm IST)