મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ટ્રમ્પ ઇમિગ્રેશન પોલીસી નવા ફેરફાર કરશે અમલી

ગ્રીનકાર્ડની કાગડોળે રાહ જોતા ભારતીયો માટે ખુશખબર : નવી નીતિ વિદેશીઓને હાલની વ્યવસ્થાથી અન્ય કવોલિફિકેશનના આધારે મહત્વ અપાશે

વોશિંગ્ટન તા. ૧૬ : એક મહત્વના નિવેદનમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દેશની ઇમિગ્રેશન નીતિમાં ધરમૂળ ફેરફાર કરવાની ઘોષણા માટે સંપુર્ણ રીતે તૈયાર જોવા મળે છે. આ નવી નીતિ વિદેશીઓને હાલની વ્યવસ્થાથી અન્ય કવોલિફિકેશના આધારે મહત્વ આપવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પારિવારિક સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ટ્રમ્પની નવી જાહેરાતથી હજારોની સંખ્યામાં ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા ભારતીય પ્રોફેશનલ્સની રાહ આસાન થઇ શકે છે.

ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની આ નવી યોજના મુખ્ય રીતે બોર્ડર સુરક્ષાને મજબૂત કરવા અને ગ્રીનકાર્ડ તથા કાયદેસર પીઆર પોલીસીને યોગ્ય કરવા પર કેન્દ્રિત છે. જેનાથી યોગ્યતા, માસ્ટર ડિગ્રી ધરાવતા અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ લોકો માટે ઇમિગ્રેશન પ્રણાલીને સરળ બનાવી શકાય છે. હાલની વ્યવસ્થા હેઠળ અંદાજિત ૬૬ ટકા ગ્રીન કાર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેઓના પારિવારક સંબંધો હોય અને માત્ર ૧૨ ટકા ગ્રીન કાર્ડ જ યોગ્યતા આધારિત છે.

ટ્રમ્પની આ નવી યોજના અંગે આજે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં જાહેરાત કરવાનો કાર્યક્રમ છે. જો કે, આ યોજનાના અમલીકરણ કોંગ્રેસના વિભાજિત થવા, ખાસ કરીને ઇમિગ્રેશન સુધારના મુદ્દે મુશ્કેલી ઉભી થશે. પ્રેસિડન્ટ પોતાના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દે સમજાવવામાં સફળ રહ્યા તો પણ સાંસદ નેન્સી પેલોસીના નેતૃત્વવાળા ડેમોક્રેટ અને બીજા નેતા વિરોધમાં ઉભા છે.

(3:37 pm IST)