મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

બ્રિટનની ''ચોરલી'' કાઉન્સિલમાં મેયરપદે ભરૂચ જિલ્લાના મુસ્લિમ મહિલા ચૂંટાયા

મુળ વાગરા તાલુકાના અરગામાના હસીના ખાન પ્રથમ મુસ્લિમ એશીયન મહિલા મેયર બન્યાં

ભરૂચઃ વાગરા તાલુકાના અરગામા-વોરા પટેલ સમાજના સુવિખ્યાત ખાન સાહેબ પરિવારના વંશજ તેમજ અબ્દુલ્લા ખાનસાબ અરગામાવાલાનાં પુત્રી હસીના ખાન સતત ચાર વાર કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ હાલ કાઉન્સિલમાં મેયર પદે નિમણૂક થતાં લોકોમાં ખુશીની લાગણી વ્યાપવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અરગામા ગામના અબ્દુલ્લાહ ખાન સાહેબનાં પુત્રી હસીના ખાન વર્ષોથી ઈંગ્લેન્ડમાં રાજકીય જાહેર જીવનમાં સંકળાયેલાં છે. તેઓ સતત ચારથી વધુ વાર ચોરલી કાઉન્સિલમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ઉપરાંત તેમની પુત્રી પણ સૌથી નાની વયે કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યાંં હતાં. હાલ ચોરલી કાઉન્સિલ સતાધારી લેબર પાર્ટી દ્વારા હસીના ખાનની મેયર પદે દરખાસ્ત રજૂ કરતાં હસીના ખાન બહુમતીથી મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની લેન્કશાયર ડિસ્ટ્રીકટ તેમજ નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડના ઈતિહાસમાં મુસ્લિમ એશિયન મહિલા મેયર પદે ચૂંટાયાં હોવાની આ પ્રથમ ઘટના છે. આ અગાઉ લંડન સિટીના મેયર પદે પાકિસ્તાની મૂળના સાદિક ખાન જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા.

(1:25 pm IST)