મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

પશ્ચિમ બંગાળમાં સ્થિતિ ખરાબ હોય તો રાહ કેમ : પીએમ મોદીની રેલી માટે ચૂંટણીપંચે પ્રતિબંધ મોડો કર્યો? : અહેમદભાઈ પટેલનો પ્રહાર

ચૂંટણીપંચ કહે છે અભૂતપૂર્વ પરિસ્થિતિ પરંતુ પીએમની જાહેરસભા પૂર્ણ કરે તેની રાહ જોઈ : અભૂતપૂર્વ !!

નવી દિલ્હી :કૉંગ્રેસના સિનિયર નેતા અહેમદભાઈ પટેલે ચૂંટણીપંચ સામે પ્રશ્ન ઉઠાવતાં બુધવારે રાત્રે ટ્વિટ કરીને પુછ્યું હતું કે, "બંગાળમાં સ્થિતિ ખરાબ હોવાથી જો ચૂંટણી પ્રચારને રોકવો પડે છે તો ચૂંટણીપંચ આવતી કાલની કેમ રાહ જુએ છે? શું ત્યાં વડા પ્રધાન રેલી આવતીકાલે (ગુરુવારે) કરી રહ્યા છે માટે?"

વધુમાં કહ્યું હતું કે, "શું આ અભૂતપૂર્વ નથી કે ચૂંટણીપંચનું કહેવું છે કે તે પશ્ચિમ બંગાળમાં અભૂતપૂર્વ પરિસ્થિતિ છે પરંતુ પીએમ તેમની જાહેરસભાઓ પૂર્ણ કરે તેની રાહ જોઈ રહી છે?"

  કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કરતાં કહ્યું હતું કે, "વડા પ્રધાન મોદી અને અમિત શાહની સામે ચૂંટણી પંચમાં 11 ફરિયાદ કરાઈ છે પરંતુ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી, ભાજપ દ્વારા હિંસા કરવામાં આવી છે અને અમિતભાઈ  શાહે ધમકી અપાઇ છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. હવે મોદીને 16 મેના રોજ બે રેલીની પરવાનગી આપવામાં આવી છે અને બીજા તમામ લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે."

(1:09 pm IST)