મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

પશ્ચિમ બંગાળમાં હિંસા માટે ભાજપ જવાબદાર : હુમલો પૂર્વયોજિત : મમતાના સમર્થનમાં માયાવતીના પ્રહાર

ચૂંટણી પંચ પણ પીએમ મોદીના દબાણમાં કામ કરી રહ્યુ છે. આ સંપૂર્ણપણે અનુચિત છે

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહના રોડ શો દરમિયાન ભડકેલી હિંસા બાદ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 16મેની રાતે જ ચૂંટણી પ્રચાર પર રોકવાના નિર્ણય પર વિપક્ષે સવાલ ઉઠાવી દીધા છે, બસપા પ્રમુખ માયાવતી બંગાળ વિવાદ પર મમતા બેનર્જી સાથે આવી ગઈ છે. તેમણે કહ્યુ કે એ સ્પષ્ટ છે કે પીએમ મોદી, અમિતભાઈ  શાહ અને બાકી નેતા મમતા બેનર્જી પર હુમલો કરી રહ્યા છે. તેમના હુમલા પહેલેથી પ્લાન્ડ છે. આ બહુ ખતરનાક છે અને દેશના પીએમ મોદીને આ શોભા નથી આપતુ. એમાં કોઈ શક નથી કે બંગાળમાં થયેલી હિંસા માટે ભાજપ જ જવાબદાર છે.

  માયાવતીએ કહ્યુ કે ચૂંટણી પંચ પણ પીએમ મોદીના દબાણમાં કામ કરી રહ્યુ છે. આ સંપૂર્ણપણે અનુચિત છે. અત્રે ઉલ્લેખનીય છે આ પહેલા કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે આજે લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ છે કારણકે પંચે પ્રક્રિયાનું પાલન નહિ કરીને માત્ર પ્રધાનમંત્રી મોદીની રેલીઓની મંજૂરી આપી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ વિશે ટ્વીટ દ્વારા ચૂંટણી પંચ પર નિશાન સાધ્યુ હતુ.

(12:43 pm IST)