મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ જોવા માટે ૩૫૦૦ ભારતીયોએ સાગમટે વિઝા માટે ફોર્મ ભર્યા

ઇંગ્લેન્ડનું તંત્ર ધંધે લાગ્યું : વર્લ્ડ કપ માટે ૮૦ હજાર ભારતીયો બ્રીટનની મુલાકાતે જશે

બ્રિટન તા. ૧૬ : ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ જોવા માટે ભારતમાંથી દરરોજ ૩,૫૦૦ દેશવાસીઓ યુકેના વિઝા માટે અરજી કરી રહ્યાં હોવાનું એજન્સીના સૂત્રો દ્વારા જણાયું છે.ઙ્ગસૂત્રોના જણાવ્યાનુસાર, એપ્રિલથી જુલાઈની પીક ટ્રાવેલ સિઝન દરમ્યાન વિઝા માટેની માગ નવેમ્બરથી જાન્યુઆરીની પીક ઓફ વિન્ટર સિઝન કરતાં સામાન્યપણે ૧૦૦-૧૫૦ ટકા વધારે હોય છે. ગ્લોબલ ટુરિઝમ કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મૂજબ, સામાન્યપણે દરરોજ યુકે માટે ૧૦૦૦ વિઝાની અરજી થતી હોય છે.

પીક સમરની સીઝન ધ્યાનમાં લઈએ તો ૨,૫૦૦ જેટલી અરજીઓ થાય. જોકે સુપરસ્ટાર મહેન્દ્રસિંહ ધોની હવે અંતિમવાર રમવાનો હોવાને કારણે આ વિઝાની માગ દૈનિક ધોરણે ૧,૦૦૦ થી ૧,૫૦૦ જેટલી વધી છે.

બ્રિટીશ હાઈ કમિશનની એવી ધારણા છે કે ૩૦ મેથી શરૂ થઈ રહેલ વર્લ્ડ કપમાં ૮૦,૦૦૦ જેટલાં ભારતીયો મુસાફરી કરશે, જોકે તે સામાન્ય વ્યવહારથી પણ વધુ છે. ઉનાળામાં મુસાફરીના મોસમી વધારાને કારણે તેમને મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. આ વર્ષે ક્રિકેટને કારણે આ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જોકે વિશ્વમાંથી કેટલી માત્રામાં લોકો ઈંગ્લેન્ડ આવશે તેની જાણ નથી પરંતુ ભારતીયોની ક્રિકેટ પ્રત્યેની ઘોલછા તેમજ અન્ય પૂર્વીય અહેવાલો જોતાં સૌથી વધુ માત્રામાં ભારતીયો જ હશે તેવી ધારણા પણ તેઓ સેવી રહ્યાં છે.

યુકેની વિઝા સર્વિસ પાર્ટનર વીએફએસ ગ્લોબલે જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ૨,૦૦,૦૦૦ જેટલી વિઝાની પ્રક્રિયા કરી છે. વિઝા સર્વિસની ડોર સ્ટેપ ડિલિવરી માટેની માગ ૨૦૧૮માં ૧૪૪ ટકા જેટલી વધી છે અને આ ટ્રેન્ડ હજી ચાલી રહ્યો છે.

(11:34 am IST)