મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

માતોશ્રીને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવા કાવત્રું ઘડાયેલઃ ખૂદ બાળાસાહેબ ઠાકરેએ તેમના પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હોવાનો નારાયણ રાણેનો વિસ્ફોટ

મુંબઈઃ શિવસેનાના પૂર્વ સભ્ય નારાયણ રાણેના દાવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાણેએ દાવામાં જણાવેલ કે ૧૯૮૯માં ઠાકરે પરિવારના નિવાસસ્થાન ''માતોશ્રી''ને બોંબથી ઉડાવી દેવાની યોજના આતંકીઓએ બનાવી હતી. શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ પરિવારના સભ્યોને કેટલાક દિવસ સુરક્ષીત સ્થળે રહેવાનો નિર્દેશ આપેલ.

રાજયસભાના સભ્ય રાણેએ વધુમાં જણાવેલ કે તે સમયના મહારાષ્ટ્રના મુખ્યમ઼ત્રી શરદ પવારે બાળાસાહેબના નાના પુત્ર અને હાલના શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેને બોલાવી આ ખતરા અંગેની જાણ કરી હતીે ખાલીસ્તાનના નિશાના ઉપર પણ ઠાકરે હોવાનો દાવો કર્યો છે. તે સમયે ખાલીસ્તાન આંદોલનના સમર્થકો મુંબઈ સહિત અનેક શહેરોમાં હાજર હતા.

રાણેએ જણાવેલ કે ૧૯ માર્ચ ૧૯૮૮ના રોજ બાળ ઠાકરેએ એક સંવદદાતા સંમેલન યોજયુ હતુ, જેમાં તેમણે એક પ્રશ્ન સૂચી વિતરણ કરી શહેરના શીખ સમુદાયના પ્રમુખ લોકો પાસેથી આશ્વાસન માંગેલ કે તેઓ ખાલીસ્તાન આંદોલનકારીઓને આર્થીક મદદ નથી આપી રહ્યા.આ સંમેલનમાં બાળાસાહેબે એલાન કરેલ કે જો શીખોએ ચરમપંથીઓને આર્થીક મદદ આપવાનું ચાલુ રાખ્યુ તો તેઓ શહેરમાં તેમનો સામાજીક અને આર્થીક બહિષ્કાર સુનિશ્ચીત કરશે. રાણેએ આ ઘટનાઓનો ખુલાસો પોતાની બાયોગ્રાફી ''નો હોલ્ડ બાર્ડઃ માય ઈયર્સ ઈન પોલીટીકસ''માં કર્યો છે.

આ ખતરાના કારણે માતોશ્રીની સુરક્ષા વધારાઈ હતી અને બધા હાઈએલર્ટ ઉપર હતા. આ તણાવ વચ્ચે નવવિવાહીત ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી શરદ પવારનો ફોન આવેલ અને તુરંત પોતાની પાસે એકલા પહોંચવા જણાવેલ. પવારે મુલાકાત દરમિયાન ઉધ્ધવને જણાવેલ કે વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે જે આતંકી માતોશ્રીને બોંબથી ઉડાડવાનો છે તે મુંબઈ આવી પહોંચ્યો છે.

રાણેએ બાયોગ્રાફીમાં જણાવ્યા મુજબ પવારે ઉધ્ધવને જણાવેલ કે તેમને એ વાતની ચિંતા છે કે માતોશ્રી, રાજયનો પોલીસ વિભાગ અને ગૃહ ખાતાના લોકો પણ આમાં સામેલ છે. પવારે વધુમાં જણાવેલ કે આ ઘટનાને બે દિવસમાં અંજામ આપવાનો છે. તેમણે ઠાકરે પરિવારને પોલીસ પહેરો વધારવાની પણ ઓફર કરેલ અને આ વાતને પરિવારની અંદર રાખવા જણાવેલ.

ત્યાર બાદ ઉધ્ધવે આ વાતની માહિતી બાળા સાહેબને આપી હતી અને તેમણે પરિવારના સભ્યોને થોડા દિવસ માટે સુરક્ષીત ઘર ગોતવા તથા માતોશ્રી ખાલી કરવા નિર્દેશ આપેલ. રાણેએ અંતમાં જણાવેલ કે બીજા દિવસે સવારે બાળાસાહેબ પત્ની મીનાતાઈ સાથે લોનાવાલા ચાલ્યા ગયેલ.

(11:34 am IST)