મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ચૂંટણીપંચે ટ્વિટર ઇન્ડિયાને એકિઝટ પોલ સંબંધિત તમામ ટ્વિટસ હટાવવાનો કર્યો આદેશ

ચોક્કસ ફરિયાદ મળ્યા બાદ ECની કાર્યવાહી

નવી દિલ્હી તા. ૧૬ : સાતમાં તબક્કાનું મતદાન રવિવારે પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે ટ્વિટર ઇન્ડિયાને એકિઝટ પોલ સંબંધિત તમામ ટ્વિટ્સ હટાવવાનો આદેશ કર્યો છે. રવિવારે ૧૯મી મેના રોજ અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સાંજે ૬.૩૦ વાગ્યા બાદ એકિઝટ પોલ્સ જાહેર કરી શકાશે. આ બાબતના જાણકાર એક સૂત્રએ જણાવ્યું કે, આ બાબતે ચોક્કસ ફરિયાદ મળ્યાં બાદ ચૂંટણી પંચ તરફથી આવી કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રએ વધુમાં એવું પણ કહ્યું કે યૂઝરે બાદમાં પોતાની ટ્વિટ ડિલિટ કરી નાખી હતી.

ચૂંટણી પંચને શું ફરિયાદ મળી હતી તેના વિશે કોઈ માહિતી મળી નથી. એક વહિવાટી અધિકારીએ જણાવ્યું કે, 'ચૂંટણી પંચ તરફથી આજે આવો કોઈ જ આદેશ કરવામાં આવ્યો નથી. આજે અમારી સમક્ષ આવો એક કેસ આવ્યો છે, જેમાં યૂઝરે જાતે જ પોતાનું ટ્વિટ ડિલિટ કરી નાખ્યું છે.' નોંધનીય છે કે પરિણામનું અનુમાન જાહેર કરતો અહેવાલ પ્રગટ કર્યા બાદ ચૂંટણી પંચે તાજેતરમાં ત્રણ મીડિયા હાઉસને નોટિસ પાઠવી છે.

રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પિપલ્સ એકટની કલમ ૧૨૬A પ્રમાણે, 'કોઈ પણ વ્યકિત નિર્ધારિત સમય પહેલા એકિઝટ પોલ કરી કે પ્રસિદ્ઘ કરી શકે નહીં. એટલે કે પ્રિન્ટ મીડિયા કે ઇલેકટ્રોનિક મીડિયામાં તેને જાહેર ન કરી શકાય. સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણીના પ્રથમ દિવસ માટે નિર્ધારિત કરેલા સમયથી લઈને મતદાન પૂર્ણ થયા બાદના અડધા કલાક સુધી એકિઝટ પોલ જાહેર કરી શકાય નહીં.'

આ કલમમાં એવી પણ જોગવાઈ છે કે જો કોઈ વ્યકિત આ નિયમનો ભંગ કરતો જણાશે તો તેને બે વર્ષ સુધી જેલની સજા અથવા દંડ અથવા દંડ અને જેલની સજા બંને થઈ શકે છે.

(11:33 am IST)