મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

કાશ્મીરમાં સતત ચોથા દિવસે હિંસક ઘટનાઓ ચાલુ

૩ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના પડઘા શમ્યા નથી ત્યાં કાશ્મીર ખીણમાં વધુ એક સગીરા ઉપર કૂકર્મ ગુજારાયું : પુલવામા - શ્રીનગર હાઇવે ઉપર આગ ચાંપી વાહનો થંભાવ્યા

જમ્મુ તા. ૧૬ : વાડીપોરામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો હજી ઠંડો પણ નથી થયો ત્યાં ખીણમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. એસએસપી ગાદરબલ ખલીલ પોસ્વાલે જણાવ્યું કે, બનાવ રવિવારે બન્યો હતો. પિડીતાના પરિવારજનોની ફરીયાદ પછી અમે તપાસ કરી હતી અને આરોપો સાચા લાગ્યા પછી આરોપીની ધરપકડ કરી દેવાઇ છે. પીડિતાની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે. આરોપી વિરૂધ્ધ આગળની કારવાહી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ઉત્તર કાશ્મીરના વાડીપોરામાં ત્રણ વર્ષની બાળકી સાથેના દુષ્કર્મની ઘટના વિરૂધ્ધ ખીણમાં પ્રદર્શન બંધ થવાનું નામ નથી લેતા. બડગામના છત્તરગામમાં સેંકડો લોકોએ ગઇકાલે રોડ પર આવીને ગુનેગારો વિરૂધ્ધ કડક પગલા લેવાની માંગણી કરી હતી. એટલું જ નહીં, પ્રશાસન પર દબાણ ઉભુ કરવા માટે પ્રદર્શનકારીઓએ પુલવામા - શ્રીનગર હાઇવે પર આગ લગાડીને વાહનોની અવર-જવર બંધ કરાવી હતી.

લગભગ બે કલાક ચાલેલા આ પ્રદર્શનને કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. પ્રદર્શન કરી રહેલા સ્થાનિક લોકોની માગણી હતી કે આ જધન્ય અપરાધમાં શામેલ આરોપીઓને બક્ષવામાં ન આવે. એટલું જ નહીં, જો ગુનો છુપાવવામાં જો કોઇ આરોપીને મદદ કરી રહ્યું હોય તો તેને પણ ઝડપી લેવામાં આવે. તેમણે આ મામલાની તપાસ ફાસ્ટ ટ્રેક ધોરણે કરવાની પણ માગણી દોહરાવી હતી.

જ્યારે સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓને સડક પરથી હટી જવા કહ્યું ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઝડપ શરૂ થઇ હતી. પ્રદર્શનકારીઓએ પથ્થર મારો શરૂ કર્યો હતો. તેમને ભગાડવા માટે સુરક્ષાદળોએ બળપ્રયોગ કર્યો અને તે દરમિયાન ટીઅર ગેસના ગોળા પણ છોડવામાં આવ્યા હતા. પોલિસે પ્રદર્શનકારીઓ વિરૂધ્ધ કેસ પણ નોંધ્યો છે.

(11:33 am IST)