મુખ્ય સમાચાર
News of Wednesday, 16th May 2018

જવાળામુખીમાં આજે પ્રચંડ વિસ્ફોટોની શકયતાઃ રેડ એલર્ટ

હવાઈ ઓથોરિટીએ ૧૨'દિ માં પહેલીવાર સ્થાનિકોને મોબાઈલ પર મેસેજ મોકલીને ચેતવણી આપી

હોનાલુલુઃ  અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જવાળામુખીના કારણે આજે ઓથોરિટીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓથોરિટીએ ચેતવણી આપી છે કે, જવાળામુખીની રાખના કારણે હવામાં ઝેરી તત્વો ભળી રહ્યા છે. ગમે તે ક્ષણે તેમાંથી ગેસ શોટ્સ એટલે રાખના ફૂવારા હવામાં ફેલાશે. હાલ આ જવાળામુખીમાંથી સતત લાવા બહાર નિકળી રહ્યો છે. જયારે ગ્રે ધૂમાડાના જાડા થડ હવામાં હજારો ફૂટ સુધી ફેલાઇ રહ્યાછે.

યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વેએ હવાઇ આઇલેન્ડ પર આજે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેનો અર્થ એ થાય છે કે, જવાળામુખીમાં આજે કોઇ પણ સમયે પ્રચંડ વિસ્ફોટો થવાની શકયતાઓ છે. આજે જવાળામુખીમાં થતાં વિસ્ફોટો વધુ નુકસાનકારક હશે. જેના કારણે જમીન અને હવા બંને સ્થળે માનવજીવનને જોખમ છે. યુએસજીએસ સ્પોકસપર્સનના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારથી હાલેમોકાઉ એરિયા તરફ રાખના બ્લાસ્ટ થઇ રહ્યા હતા. જે દર્શાવે છે કે, જવાળામુખીની તીવ્રતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર ૧.૮૫ લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્થિતિ ભયજનક છે. અત્યાર સુધી ૧૫ હજારથી વધુ લોકોનું ઓથોરિટીએ સ્થળાંતર કરાવ્યું છે.

સાઉથ-વેસ્ટ સ્ટેટમાં જવાળામુખીમાંથી સતત રાખના બ્લાસ્ટ થઇ રહ્યા છે, જેના કારણે હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે. ગમે તે ક્ષણે જવાળામુખીની તીવ્રતામાં અનેકગણો વધારો થઇ શકે છે. એટલું જ નહીં, આજે જવાળામુખીમાંથી લાવા અને રાખના બ્લાસ્ટ વધુ પ્રચંડ થશે. રડાર અને પાઇલોટ રિપોર્ટના આધારે જવાળામુખીની આસપાસ રાખના વાદળો બની રહ્યા છે. જે દરિયાના લેવલથી ૧૨ હજાર ફૂટ ઉપર છે.

મે મહિનાની શરૂઆતથી જ સક્રિય થયેલા કિલાઉ જવાળામુખીના ૧૨માં દિવસે પહેલીવાર હવાઇ ઓથોરિટીએ સ્થાનિકોને મોબાઇલ પર મસેજે મોકલીને ચેતવણી આપી છે. ઓથોરિટીએ મેસેજ મોકલાવ્યા અનુસાર, રાખના વાદળોના કારણે તેઓની આંખો અને શ્વાસોશ્વાસની તકલીફ થઇ શકે છે. હવામાં સલ્ફર ડાયોકસાઇડનું પ્રમાણ ડેન્જરસ લેવલ સુધી વધી રહ્યું છે.  તેથી હેલ્થ ઓફિશિયલ્સે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. જવાળામુખીમાં અત્યાર સુધી ૨૦ ફિશર (તિરાડ) ખુલી ગઇ છે. લાવાના કારણે અત્યાર સુધી ૩૭ જેટલાં ઘરો બળીને ખાખ થઇ ગયા છે અને ૨ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે, અત્યાર સુધી જવાળામુખીના કારણે આઇલેન્ડની ૭૫ ટકા સ્થાવર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર ૧.૮૫ લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્થિતિ ભયજનક છે.

 કિલાઉ જવાળામુખી ૬ લાખ વર્ષ જૂનો છે. થોડાં દિવસો પહેલાં આ જવાળામુખીની પાસે ૨૪ કલાકમાં ૨૫૦થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા. માઉન્ટ કિલાઉ જવાળામુખી ફાટ્યા બાદ આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જવાળામુખી આસપાસના વિસ્તારો સુધી લાવા ઓકી રહ્યો છે અને સાથે જ ધૂમાડાના જાડા થર જોવા મળી રહ્યા છે. કિલાઉ જવાળામુખીના  હલેમાઉમાઉ  ક્રેટરથી પૂ હાઓ વિસ્તારથી ઉકળતો લાવા બહારની તરફ નિકળવાનું શરૂ થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં કિલાઉ જવાળામુખીનો લાવા લોકોના ઘર સુધી પહોંચી ગયો હતો. ઉકળતા લાવાના કારણે અનેક ઘરો પણ નષ્ટ થયા હતા. જયારે ૨૦૧૬માંજવાળામુખીના શિખર પૂ હાઓમાંથી નિકળતો લાવા સીધો પ્રશાંત મહાસાગર સુધી પહોંચી ગયો હતો.  ૧૯૮૩માં પૂ હાઓના વિસ્ફોટમાં લાવાના કારણે અસંખ્ય ઘર નષ્ટ થઇ ગયા હતા. ૨૦૦૮માં પણ ભૂકંપના કારણે જવાળામુખીથી લાવા નિકળ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં ઘણું નુકસાન પહોંચ્યુ હતું.

(4:27 pm IST)