મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

દિલ્હીમાંથી શ્રમિક મજૂરોએ ઊચાળા ભરવાનું શરૂ કર્યું

કોરોના કહેરથી દિલ્હીમાં વિકેન્ડ લોકડાઉનની અસર : દિલ્હી અને નોઈડાને જોડતા એક્સપ્રેસ વે પર મજૂરની ભીડ છેલ્લા કેટલાક દિવસોથી દેખાવા માંડી

નવી દિલ્હી, તા. ૧૬ : મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં પણ વિક એન્ડમાં લોકડાઉન લગાવવાની જાહેરાત બાદ હવે રાજધાનીમાં પૂરેપુરુ લોકડાઉન લાગે તેવો ડર લોકોને લાગી રહ્યો છે અને તેની સૌથી વધારે અસર અન્ય રાજ્યોમાંથી આવનારા શ્રમિકો પર પડી રહી છે.

મહારાષ્ટ્રની જેમ હવે દિલ્હીમાંથી પણ પર પ્રાંતિય શ્રમિકોએ ઉચાળા ભરવાનુ શરુ કરી દીધુ છે. દિલ્હી અને નોઈડાને જોડતા એક્સપ્રેસ વે પર મજૂરની ભીડ છેલ્લા કેટલાક દિવસોથી દેખાવા માંડી છે. જરુરિયાતની વસ્તુઓ સાથે તેઓ પોતાના ગામડાઓ તરફ જવા માટે આતુર હોય તેમ દેખાઈ રહ્યુ છે.

બસોની રાહ જોતા આ લોકો કલાકો સુધી ઉભેલા નજરે પડે છે. આ લોકોમાં બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના શ્રમિકોનો સમાવેશ થાય છે. તેમને ડર છે કે, લોકડાઉન લાગુ થશે તો કામ તો નહીં મળે પણ ઘરે જવાના પણ ફાંફા પડી જશે. કારણકે ગયા વર્ષે લોકડાઉન દરમિયાન તેમને સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને જવુ પડ્યુ હતુ.એટલે હવે તેઓ અત્યારથી જ દિલ્હી છોડીને ઘરે જવા માંગે છે અને આ માટે હાથમાં આવ્યુ તે વાહનનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે.

(9:37 pm IST)