મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

રામ મંદિરને દાનમાં મળેલા ૧૫ હજાર ચેક બાઉન્સ થયા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં ધડાકો : બાઉન્સ ચેકની રકમ ૨૨ કરોડ આસપાસ, ઘણા કિસ્સામાં ચેક આપનારા અકાઉન્ટમાં રુપિયા ના હોવાથી ચેક બાઉન્સ

અયોધ્યા, તા. ૧૬ : રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘેર-ઘેર જઈને દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઓડિટમાં એવું બહાર મળ્યું છે કે, મંદિર માટે જે રકમ ચેક દ્વારા દાન કરાઈ હતી તેમાંથી ૧૫ હજાર જેટલા ચેક તો બાઉન્સ થયા છે. બાઉન્સ થયેલા ચેકની રકમ ૨૨ કરોડ રુપિયાની આસપાસ થાય છે. કેટલાક કિસ્સામાં ચેક આપનારા અકાઉન્ટમાં એટલા રુપિયા ના હોવાના કારણે ચેક બાઉન્સ થયાછે, તો કેટલાક કિસ્સામાં ટેકનિકલ કારણોસર ચેક બાઉન્સ થયા છે.

આ મામલે ર્ટ્સ્ટના મેમ્બર ડૉ. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, બેંકો હાલ ટેકનિકલ એરર સુધારવાનો પ્રયાસ કરી રહી છે, અને જેમના ચેક બાઉન્સ થયા છે તે દાતાઓને ફરી દાન આપવા કહેવાઈ રહ્યું છે. જે ચેક દાનમાં આવ્યા છે તેમાંથી બે હજાર જેટલા તો માત્ર અયોધ્યામાંથી જ મળ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદે સમગ્ર દેશમાં ઘેર-ઘેર જઈને ૧૫ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે રામ મંદિર માટે દાન ઉઘરાવ્યું હતું. વીએચપીનો દાવો છે કે એક મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં પાંચ હજાર કરોડ રુપિયા એકત્ર કરવામાં આવ્યા છે. જોકે ખરેખર કેટલા રુપિયા આવ્યા છે તેનો આંકડો ટ્રસ્ટ દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

(7:36 pm IST)