મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

CBSE ધો.૧૦નું પરિણામ ઓબ્જેક્ટિવ આધારે તૈયાર થશે

સીબીએસઈમાં દસમાની પરીક્ષા રદ, ૧૨માની સ્થગિત : દેશમાં કોરોનાની ગંભીરતાને ધ્નમાં રાખીને વડાપ્રધાને યોજેલી બેઠક બાદ પરીક્ષાઓ અંગે નિર્ણય લેવો હતો

નવી દિલ્હી, તા. ૧૬ : દેશમાં કોરોના સંક્રમણના કહેરની ગંભીરતાને ધ્યાને લઈ સીબીએસઇ બોર્ડ પરીક્ષા રદ કરવાની માંગને લઈ ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની એક અગત્યની બેઠક મળી, જેમાં સીબીએસઇના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા રદ કરવા અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો.

શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ૪ મે ૨૦૨૧થી ૧૪ જૂન ૨૦૨૧ સુધી આયોજિત થનારી ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. ધોરણ-૧૦ના પરિણામ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. ધોરણ-૧૦નું પરિણામ ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા (ઇન્ટરનલ અસેસમેન્ટ)ના આધાર પર તૈયાર કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી સંતુષ્ટ નથી તો તે પરીક્ષા યોજવાની સ્થિતિમાં તેમને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. નોંધનીય છે કે, ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૮ લાખ સ્ટુડન્ટ્સ અને ધોરણ-૧૨ની પરીક્ષામાં ૧૨ લાખ સ્ટુડન્ટ્સ બેસવાના હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધીએ પણ સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મનસે પ્રમુખ, તમિલનાડુમાં પીએમકેના સંસ્થાપક એસ. રામદાસ, બોલિવૂડ અભિનેતા સોનૂ સુદ અને રવીના ટંડને પણ બોર્ડ પરીક્ષાઓને રદ કરવા અને પરીક્ષા લીધા વગર સ્ટુડન્ટ્સને ઉપલા ધોરણમાં પ્રમોટ કરવાની માંગ કરી છે. રવીના ટંડને ટ્વીટરના માધ્યમથી કહ્યું હતું કે આ સમય તણાવપૂર્ણ છે અને બાળકો હાલમાં સમયમાં પરીક્ષા આપે તો તે જોખમથી ભરેલું છે.

કોરોનાના વધતા કેસોના કારણે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રે બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આ રાજ્યોમાં બોર્ડ પરીક્ષાઓની તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. બીજી તરફ સ્કૂલ અને કોલેજોમાં પણ ઓફ લાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.

(7:36 pm IST)