મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કાશ્મીરના ફુલગામમાં મહિલા એસઓપીને સસ્પેન્ડ કરાયા

આતંકીઓ સામે સેનાનું સતત અભિયાન જારી : સર્ચ ઓપરેશનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ, વર્તણૂકને કારણે સુરક્ષા દળોએ તેમનું ઓપરેશન પણ બંધ કરવું પડ્યું

શ્રીનગર, તા. ૧૬ : જમ્મુ કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળો આતંકવાદીઓ અને તેમને રક્ષણ આપનારા લોકો સામે સતત અભિયાન ચલાવી રહ્યા છે. હવે પોલીસે કુલગામમાં મહિલા એસપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આતંકવાદને ઉત્તેજન આપવા અને સરકારી અધિકારીઓના કામમાં અવરોધ ઉભો કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ, ફ્રીસલ ગામના કરવા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળી હતી, ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન મહિલાએ અભિયાનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાની ઓળખ ફ્રીસેલમાં રહેતા ગુલામ નબી રાહની પુત્રી સીમા અખ્તર તરીકે થઈ છે.

મહિલાએ સર્ચ ઓપરેશનનો વિરોધ કર્યો હતો અને આતંકીઓની હિંસક કાર્યવાહીની પ્રશંસા કરી હતી. તેણે તેના ફોન દ્વારા એક વિડિઓ બનાવી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો.જેમાં તેણે આતંકીઓની તરફેણ કરી હતી.

મહિલાની વર્તણૂકને કારણે સુરક્ષા દળોએ તેમનું ઓપરેશન પણ બંધ કરવું પડ્યું હતું, ત્યારબાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની નોંધ લઈને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. અત્યારે કુલગામના મહિલા સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(7:34 pm IST)