મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાનો માર્ગ મોકળો : ઈંગ્લેન્ડના હોમ ડિપાર્ટમેન્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી

પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપ માટે નીરવ મોદી ભારતમાં વોન્ટેડ ઘોષિત

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કમાં મેહલુ ચોક્સી સાથે મળીને 14 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનાર હિરાના બિઝનેસમેન નીરવ મોદીને ભારત લાવવાને લઈ ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાગેડું નીરવ મોદને જલ્દી ભારત લાવવામાં આવશે. ઈંગ્લેન્ડના હોમ ડિપાર્ટમેન્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી દિધી છે.

આ જાણકારી કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના એક અધિકારીએ આપી છે. પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપ માટે નીરવ મોદી ભારતમાં વોન્ટેડ ઘોષિત છે.

બ્રિટનની વેસ્ટમિન્સ્ટર અદાલતે પણ ગઈ 25 ફેબ્રુઆરીએ નીરવ મોદીને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી હતી. આમ, નીરવને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. જોકે નીરવ મોદીને વેસ્ટમિન્સટર કોર્ટના ચુકાદા વિરુદ્ધ બ્રિટનની હાઈકોર્ટમાં અરજી કરવાની તક છે. જામીન પર છૂટવા માટે નીરવે કરેલી અનેક અરજીઓને સ્થાનિક અદાલતે નકારી કાઢી છે. મુંબઈની આર્થર રોડસ્થિત કેન્દ્રિય જેલમાં નીરવ મોદી માટે એક સ્પેશિયલ કોટડી પણ તૈયાર રાખવામાં આવી છે. કહેવાય છે કે નીરવને એક વાર મુંબઈ લાવવામાં આવે એ પછી એને 12 નંબરની બેરેકમાં ત્રણમાંની એક કોટડીમાં રાખવામાં આવશે, જ્યાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત રખાશે.

(6:16 pm IST)