મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય માટે મળેલા રૂ.૨૨ કરોડના ૧૫ હજાર ચેક રિટર્ન થયાઃ ટેકનિકલ ખામી કારણભૂત હોવાનું તારણ

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે રકમ એકત્રિત કરવા માટે સમગ્ર દેશમાં સમર્પણ નિધિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં મળેલા 15 હજારના ચેક બાઉન્સ થઈ ગયા છે. સુત્રો મુજબ, આ ચેકની કુલ રકમ 22 કરોડ રૂપિયાની આસપાસ છે. આ અંગે જ્યારે શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પૂછવામાં આવ્યું , ત્યારે તેમને ટેક્નિકલ ખામી કારણભૂત હોવાનું જણાવ્યું છે.

આટલી મોટી રકમના ચેક બાઉન્સ થવા અને તેની પાછળ ટેક્નીકલ ખામી સામે આવ્યા બાદ એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દાતાઓનો સંપર્ક કરી રહી છે, જેમના ચેક બાઉન્સ થયા છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રનું માનીએ તો, જે ચેક બાઉન્સ થયા છે, તેની પાછળ કોઈ ટેક્નિકલ કારણ જવાબદાર છે. જે દાતાઓના ચેક બાઉન્સ થયા હતા, તેમાંથી કેટલાકે નવા ચેક આપી દીધા છે અને તેમાથી કેટલાક ક્લિયર પણ થઈ ગયા છે. જ્યારે બાકીના લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં સર્મપણ નિધિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 9 લાખ કાર્યકર્તાઓ દ્વારા 1,75,000ની ટીમ બનાવીને ઘરે-ઘરે જઈને 10 કરોડ પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમના દ્વારા જમા રકમને 38,125 કાર્યકર્તાઓના માધ્યમથી બેંકમાં જમા કરવામાં આવી હતી.

આ તમામ ટીમો વચ્ચે સમન્વય માટે 49 સેન્ટર બનાવવામાં આવ્યા હતા. જ્યારે દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલય પર બે ચાર્ટડ એકાઉન્ટન્ટની દેખરેખમાં 23 લોકોની ટીમે સમગ્ર ભારતમાંથી જમા રકમ અને ડિપોજિટ રકમ પર નજર રાખી હતી. આ સમગ્ર અભિયાન દરમિયાન 5000 કરોડથી વધૂની રકમ શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં જમા થઈ ગઈ છે. જો કે હજુ પણ ઑડિટ થવાનું બાકી છે.

(4:59 pm IST)