મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કેન્દ્રએ હાફકીન ઇન્સ્ટીટયુટને આપી મંજૂરી

કોવેકસીન રસીનું હવે મુંબઇમાં પણ ઉત્પાદન

નવી દિલ્હી તા. ૧૬: કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની કોરોના રસી કોવેકસીનના ઉત્પાદન માટે હાફકીન ઇન્સ્ટીટયુટને મંજૂરી આપી દીધી છે મહારાષ્ટ્ર સરકાર તરફથી મળતી માહિતી અનુસાર આ રસીનું ઉત્પાદન મુંબઇમાં કરાશે. મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) ના અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પહેલા કેન્દ્રને વિનંતી કરી હતી કે તે હાફકીન ઇન્સ્ટીટયુટને કોવેકસીન રસી ઉત્પાદન કરવાની પરવાનગી આપે.

હાલમાં તેનું ઉત્પાદન હૈદ્રાબાદ ખાતે ભારત બાયોટેક દ્વારા કરાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે ઠાકરેએ મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર સરકારે રાજયમાં રસીની અછત બાબતે કેન્દ્ર પર નિશાન તાકતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેની સાથે ભેદભાવ રાખી રહી છે. ભારત બાયોટેક રસીના ઉત્પાદન માટે હાફકીન ઇન્સ્ટીટયુટ સાથે પોતાની ટેકનીક શેર કરશે. ત્યાર પછી રસીનું ઉત્પાદન શરૂ થશે. ઉલ્લેખનિય છે કે ગુરૂવાર રાત સુધીમાં દેશમાં ૧૧.૭૯ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂકયા છે. મંત્રાલયે જણાવ્યું કે ગુરૂવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ર૬,૦ર,૩૭પ ડોઝ અપાયા હતા. અત્યારે દેશમાં લગભગ ૬૭૪૦૦ રસીકરણ કેન્દ્રો ચાલી રહ્યા છે.

(3:21 pm IST)