મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

યુપીમાં રવિવારે લોકડાઉન : માસ્ક વગર પકડાશો તો ૧૦૦૦નો દંડ

યુપી સરકારનો મોટો નિર્ણય : જરૂરી વસ્તુઓને બાદ કરતા તમામ બજાર - ઓફિસ બંધ

લખનઉ તા. ૧૬ : કોરોના વાયરસના વધતાં કેસના કારણે ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બધા જ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે લોકડાઉન રાખવામાં આવશે જેમાં આવશ્યક સેવાઓને છોડીને બધી જ ઓફિસ અને બજારો પર પ્રતિબંધ રહેશે. આ દિવસે વ્યપાક સેનેટાઇઝેશન અભિયાન કરવામાં આવશે

અને સાથે જ માસ્ક ના પહેરનારાઓને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.

રાજયમાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ઉત્તર પ્રદેશના જિલ્લા અધિકારીઓ સાથે યોગી આદિત્યનાથે બેઠક કરી હતી જે બાદ આખા રાજયમાં રવિવારના રોજ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખા રાજયમાં રવિવારના રોજ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સાથે જ રાજયમાં માસ્ક વગરના લોકોને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.

આ સિવાય ઉત્તરપ્રદેશના વારાણસી શહેરમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસનું લોકડાઉન કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે જિલ્લા તંત્ર દ્વારા બે દિવસ સુધી બધુ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ સાથે જ યોગી સરકારે માસ્કના નિયમને કડક કરી દીધા છે, પહેલીવાર કોઈ વ્યકિત માસ્ક વગર પકડાશે તો એક હજાર રૂપિયા દંડ લેવામાં આવશે અને જો બીજી વાર માસ્ક વગર પકડાય તો દસ હજાર રૂપિયા દંડ લેવામાં આવશે.

(3:07 pm IST)