મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કાલે ચંદ્ર-મંગળની પિધાન યુતિ

ચંદ્ર મંગળની નીચેથી પસાર થતા આકાશમાં સાંજે જોવા મળશે મંગળનું ગ્રહણ

રાજકોટ તા. ૧૬ : આકાશમાં કાલે તા. ૧૭ ના સાંજે પ.૩૦ વાગ્યે ચંદ્ર-મંગળની પિધાન યુતિ સર્જાશે. મંગળનું ગ્રહણ જોવા મળશે.

ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ કાલે સાંજે પ.૩૦ થી સાંજે ૭.૧૦ વાગ્યા સુધી આ નજારો નિહાળી શકાશે. મંગળ ગ્રહની નીચેથી ચંદ્ર પસાર થઇ પિધાન યુતિ સર્જશે. આ નજારો ટેલીસ્કોપની મદદથી નિહાળી શકાશે. મધ્ય ૬ કલાકને ૧૭ મીનીટે રોમાંચક દ્રશ્યો જોવા મળશે. ખગોળપ્રેમીઓએ અચુક લાભ લેવા અનુરોધ કરાયો છે.

દેશમાં પિધાન યુતિનો અદ્દભુત નજારો અગરતલા, આગ્રા, આકોલા, બેંગ્લોર, કલકતા, અલ્હાબાદ, ઓરંગાબાદ, ગૌહાટી, ગયા, ગોવા, ઇમ્ફાલ, કાનપુર, કોટા, લખનૌવ, મદ્રાસ, નાગપુર, મુજફરપુર, રાયપુર, રાંચી, વારાણસી, વિજયવાડા, પુના, મેંગ્લોર, જમશેદપુર, સહીતના વિસ્તારોમાં વિજ્ઞાન ઉપકરણોની મદદથી જોઇ શકાશે.

હાલ કોરોના મહામારી પ્રસરી છે. ત્યારે લોકોએ મર્યાદીત સંખ્યામાં એકત્ર થવા અને માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ સહીતના નિયમોનું અચુક પાલન કરવા સાથે ગ્રહણ સંબંધી અવલોકન કરવા અંતમાં જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(11:49 am IST)