મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કોરોનાથી રૂંધાતા શ્વાસ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : વિદેશથી 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજન આયાત કરશે

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના બાર જેટલા રાજ્યોને સૌપ્રથમ પૂરતો જથ્થો ફાળવવામાં આવશે

દેશમાં કોરોનાવાયરસ મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઓક્સિજનની જોરદાર ખેંચ ઊભી થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો છે કે વિદેશથી પચાસ હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન આયાત કરવામાં આવશે.
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના બાર જેટલા રાજ્યોને ઓક્સિજનની સૌથી વધુ જરૂરિયાત રહી છે ત્યારે આ તમામ રાજ્યોને સૌપ્રથમ પૂરતો જથ્થો ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને ગઈકાલે ઓક્સિજન અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો
કેન્દ્ર સરકાર દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે વિદેશથી પચાસ હજાર મેટ્રિક ટન ઓક્સિજન મંગાવવા માટે ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જેમ બને તેમ જલ્દી ઓક્સિજનનો જથ્થો મંગાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(11:17 am IST)