મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

વિશ્વના ટોપ ૨૦ સંક્રમિત શહેરોમાં ભારતના ૧૫ શહેરો

ભારત કોરોનાનું હોટસ્પોટ બન્યું: છેલ્લા ૨૪ કલાકમાં ૨.૧૬ લાખ નવા કેસઃ ૧૧૮૨ના મોતઃ એકટીવ કેસ ૧૫.૬૩ લાખ ઉપર : ભારતના સૌથી વધુ સંક્રમિત શહેરોની યાદીમાં પૂણે પ્રથમ તો મુંબઈ બીજા ક્રમેઃ દેશના ૧૨૦ જિલ્લાઓમાં બેડ, ઓકિસજન, વેન્ટીલેટર જેવી સુવિધાઓની અછત

નવી દિલ્હી, તા. ૧૬ :. દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ રોજબરોજ વણસી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અંદર દેશમાં રેકોર્ડબ્રેક ૨૧૬૬૪૨ લોકો સંક્રમિત થયા છે. ગયા વર્ષે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો એક દિવસનો મળેલો આ સૌથી મોટો આંકડો છે. એક દિવસમાં ૧૧૭૮૨૫ લોકો સાજા પણ થયા છે. જ્યારે ૧૧૮૨ લોકોના મોત થયા છે.

ભારતમાં એકટીવ કેસની સંખ્યા ૧૫ લાખને પાર કરી ગઈ છે. હાલ ૧૫૬૩૫૮૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૧.૭૪ લાખ લોકોના જીવ ગયા છે.

દેશમાં કોરોનાનો કહેર એટલો વધુ છે કે વિશ્વના ટોચના ૨૦ સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના ૧૫ શહેરો આવ્યા છે. પૂણે આ યાદીમાં ટોપ પર છે જ્યારે મુંબઈ બીજા ક્રમે છે. દેશના લગભગ ૧૨૦ જિલ્લાઓમાં ઓકિસજન, વેન્ટીલેટર અને અન્ય સુવિધાઓની ખામી છે.

દેશમા કોરોનાથી મૃત્યુદર ૧.૨૪ ટકા છે. જ્યારે રીકવરી રેટ ૮૯ ટકા છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા ક્રમે છે.

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રથી ૬૧૬૯૫ કેસ સામે આવ્યા છે. ભારત કોરોના સંક્રમણનું નવુ હોટસ્પોટ બની રહ્યુ છે. દેશમાં દર ૧૦૦માંથી ૧૩ લોકો પોઝીટીવ નિકળી રહ્યા છે. માર્ચમા આ આંકડો માત્ર ૩નો હતો.

(10:23 am IST)