મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

ઇવીએમ મશીન કેવી રીતે કામ કરે છે ? પ્રથમ વખત ક્યારે ઉપયોગ થયો ? જાણો…

ગુજરાત :ભારતમાં લોકસભા ચૂંટણી એક તહેવાર જેવી હોય છે. ચૂંટણીમાં ઉભો રહેનાર દરેક ઉમેદવાર મત માટે લોકોને રીઝવવાનો પ્રયાસ કરે છે. દેશના દરેક નાગરિક માટે વોટ આપવો બહુ જ મહત્વપૂર્ણ છે. વોટ આપવા માટે વ્યક્તિ પાસે વોટર આઈડી હોવુ જરૂરી છે. સાથે જ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં સામેલ હોવુ જરૂરી છે. વોટ આપવા માટે જે મશીનનો ઉપયોગ થાય છે, તેને ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) કહેવાય છે. આ મશીન પર જ ગણતરી કર્યા બાદ ઉમેદવારની હારજીત નક્કી થાય છે. ચૂંટણી આવતા જ ઈવીએમ ચર્ચામાં આવે છે. તેમાં ગરબડી, ખામીના પ્રશ્નો ઉદભવે છે. ત્યારે ઈવીએમ શું છે, તે કેવી રીતે કામ કરે છે, અને પહેલીવાર તેનો ઉપયોગ ક્યારે થયો હતો તે જાણીએ.

EVMમાં બે ભાગ હોય છે. એકના માધ્યમથી વોટ નોંધાય છે, અને બીજાથી તેને નિયંત્રિત કરવામાં આવે છે. જેને કન્ટ્રોલ યુનિટ કહેવાય છે. નિયંત્રણ મશીન મતદાન અધિકારી પાસે હોય છે. તો મતદાનનું મશીન મતદાન રૂમની અંદર રાખવામાં આવે છે. EVMની વિશ્વસનીયતા કાયમ રાખવા માટે VVPAT એટલે કે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ (Voter Verifiable Paper Audit Trail) મશીનની મદદ લેવામાં આવે છે. VVPAT નો ઉપયોગ EVM પર ઉઠાવાયેલા સવાલો બાદ જ શરૂ થયું.

પહેલીવાર ક્યારે થયો હતો VVPATનો ઉપયોગ

સૌથી પહેલા VVPATનો ઉપયોગ નાગાલેન્ડના ઈલેક્શનમાં 2013માં થયો હતો. જેના બાદ સુપ્રિમ કોર્ટે VVPAT મશીન બનાવવા અને તેના માટે રૂપિયા ફાળવવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યા હતા. વર્ષ 2014માં કેટલીક જગ્યાઓ પર VVPAT નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2014ના લોકસભા ઈલેક્શનમાં વીવીપેટનો ઉપયોગ લખનઉ, બેંગલોર દક્ષિણ, ગાંધીનગર, ચેન્નાઈ સેન્ટ્રલ, જાદવપુર, રાયપુર, પટના સાહિબ અને મિઝોરમના ચૂંટણી વિસ્તારોમાં કરાયો હતો. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે વર્ષ 2016માં 33,500 વીવીપેટ મશીન બનાવ્યા હતા. વર્ષ 2017માં થયેલા પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં આયોગે 52,000 VVPATનો ઉપયોગ કર્યો હતો.

કેવી રીતે કામ કરે છે VVPAT મશીન

VVPAT એટલે કે વોટર વેરિફાએલબ પેપર ઓડિટ ટ્રેલ મશીનને ઈવીએમની સાથે જોડી દેવામા આવે છે. મતદાતા EVM પર પોતાના પસંદગીના ઉમેદવારના નામની સામેવાળા બ્લ્યૂ કલરના બટનને દબાવ્યા બાદ VVPAT પર વિઝ્યુઅલી સાત સેકન્ડ સુધી જોઈ શકાય છે કે તેણે વોટ કોને આપ્યો છે. એટલે કે તેનો વોટ તેના બટન દબાવ્યા અનુસાર પડ્યો છે કે નહિ. મતદાતા જે વિઝ્યુઅલને જુએ છે, તેની જ ચિઠ્ઠી બનીને એક સીલબંધ બોક્સમાં પડે છે, જે મતદાતાને આપવામાં નથી આવતી. આ ચિટ્ઠી પર એ ઉમેદવારનું નામ, ચૂંટણી ચિન્હ અને પાર્ટીનું નામ હોય છે, જેને મતદાતા ઈવીએમ પર વોટ આપે છે. આવામાં જો મતદાન કેન્દ્ર પર ઈવીએમની સાથે વીવીપેટ છે, તો તમે વોટ આપ્યા બાદ વીવીપેટ પર જોઈ શકાય છે.

(5:36 pm IST)