જમ્મુ- કાશ્મીરની ઉધમપુર લોકસભા બેઠકઃ ભાજપ જાળવી રાખવા અને કોંગ્રેસ ફરી મેળવવા જોર લગાવે છે
આ બેઠકમાં છ જીલ્લાઓ છેઃ જેમાં કઠુઆ જીલ્લો નિર્ણાયક બને છે
જમ્મુ, દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે જમ્મુ- કાશ્મીરની ઉધમપુર- ડોડા બેઠકને જાળવી રાખવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યુ છે. સામા પક્ષે કોંગ્રેસ પણ આ બેઠક મેળવવા દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યું છે. આ બેઠક ઉપર સૌથી મોટો જીલ્લો કઠુઆ છે.
ભાજપ કઠુઆ જીલ્લામાં પોતાનો જનાધાર ઓછો થવા દેવા માગતો નથી. અહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈની સભા થવા જઈ રહી છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, ક્રિકેટર ગૌતમ ગંભીર, અવીનાશ રાય પણ પ્રચાર કરી ચૂકયા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ પણ પ્રચાર કરનાર છે.
ઉધમપુર- ડોડા બેઠક હેઠળ છ જીલ્લાઓ આવે છે. જેમાં ઉધમપુર, ડોડા, કઠુઆ, રામબન, રિયાસી અને કિશ્તવાડનો સમાવેશ થાય છે. પણ આ બેઠકમાં હાર- જીતનો નિર્ણય કઠુઆ જીલ્લાના ૪,૯૧,૯૦૦ મતદારો કરે છે. ગત લોકસભામાં કઠુઆમાં મતદારો નિર્ણાયક બન્યા હતા અને ભાજપને જીત મળેલ. કોંગ્રેસના દિગ્ગજનેતા ગુલાબ નબી આઝાદ હાર્યા હતા.
આ વખતે ભાજપના પૂર્વ નેતા ચૌધરી લાલસિંહ ડોગરા સ્વાભીમાન સંગઠન વતી ચૂંટણી લડી રહ્યા છે. તેઓની કઠુઆ જીલ્લામાં પકડ સારી છે. કઠુઆ કાંડ બાદ ભાજપે તેમને હાંસીયામાં ધકેલ્યા બાદ થોડા દિવસ પહેલા પાર્ટીમાંથી દુર કર્યા હતા.