ભરઉનાળે કરા પડ્યાઃ ગાજવીજ સાથે વરસાદ
પડધરી-મોરબી-ધ્રોલ-વાંકાનેર-જોડીયા પંથકમાં કરા પડયા : જામનગર-ગોંડલમાં હળવા છાંટા : રવિવારથી વાતાવરણમાં પલ્ટો આવતા આજે સતત ત્રીજા દિવસે ચોમાસા જેવો માહોલઃ સવારે સૂર્યનારાયણે દર્શન દીધા બાદ બપોરે અદ્રશ્યઃ ગરમીમાં સામાન્ય રાહત : રાજકોટમાં ભરબપોરે હિલ સ્ટેશન જેવું વાતાવરણઃ ગમે ત્યારે :વરસાદ તૂટી પડે તેવો માહોલ
તસ્વીરમાં ધ્રોલ, મોરબી, પડધરી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવાર બપોરથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયુ છે. આજે સતત ત્રીજા દિવસે પણ વાદળીયુ વાતાવરણ છવાયેલુ છે અને ગોંડલ, રાજકોટ, ધ્રોલ, જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા છે. જેના કારણે ગરમીમાં રાહત થઈ છે. જામનગરમાં આજે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી છાંટા વરસ્યા હતા અને ધ્રોલમાં પણ હળવા છાંટા વરસ્યા હતા. જ્યારે ધ્રોલ નજીકના હમાપર ગામે તથા રાજકોટ નજીકના પડધરીમાં પણ કરા પડયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ધુળની ડમરી સાથે પવનનું જોર વધ્યા બાદ આજે પવનનું જોર ઘટયુ છે. આજે સતત ત્રીજા દિવસે ગોરંભાયેલુ વાતાવરણ છવાયેલુ છે.
આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ગોંડલમાં છાંટા પડયા હતાં.
ભાવનગર
ભાવનગર : ભાવનગરમાં આજે બીજા દિવસે પણ આકાશમાં ધુળીયું વાતાવરણ સર્જાયુ હતું. પવન પણ સ્થિત થઇ ગયો છે. કયારેક ધુનની ડમરીઓ પણ ઉડી હતી.
ગોહીલવાડ પંથકમાં ગઇકાલે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને ધુંધળું વાતાવરણ સર્જાયુ હતું. આજે મંગળવારે પણ સવારથી જ વાદળીયુ વાતાવરણ રહ્યુ હતું. પવનની ઝડપ સાવ ઘટી ગઇ હતી. જો કે કયારેક કયારેક ધુળની ડમરીઓ ઉડી હતી. પલટાયેલા વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ સામાન્ય બની ગયું હતું.
જામનગર
જામનગર : શહેરનું આજનું હવામાન ૩૪.પ મહત્તમ, ર૪.પ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. આવા વાતાવરણ વચ્ચે સવારે હળવા છાંટા વરસ્યા હતા.
મોરબી
મોરબી : સમગ્ર રાજયની સાથે મોરબીમાં પણ હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સવારથી પવન ફુંકાતો હોય તેવું તોફાની વાતાવરણ જોવા મળ્યું હતું અને સાંજે કમોસમી છાંટા પણ વરસ્યા હતા. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે કમોસમી છાંટા પડયા હતા સવારથી વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ સાંજે કમોસમી છાંટા પડયા હતાં. જો કે બીજી તરફ કાલે હવામાન પલ્ટાને પગલે ગરમીનો પારો નીચે જોવા મળ્યો હતો. આજે બપોરે પણ મોરબીમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને કરા પણ પડયા હતા. વરસાદ વરસતા વિજળી ગૂલ થઈ ગઈ હતી.
માળીયા મિંયાણા
માળીયા મીંયાણા : માળીયા ટંકારા પંથકમાં સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા તે જ પવનો સાથે ધુળની ડમરીઓ ઉડતા સમગ્ર જિલ્લામાં આંધી જેવુ વાતાવરણ છવાઇ ગયુ હતું જેથી વાદળછાંયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે મોરબી માળીયા પંથકના ગ્રામ્ય વિસ્તાર તેમજ રણ કાંઠે તે જ પવનો ફુંકાતા આંધી જેવો માહોલ સર્જાયો હતો આજે સવારથી તે જ પવનો ફુંકાતા તાપમાનનો પારો ગગડયો છે જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે ઉલ્લેખનીય છે કે, અચાનક આવેલા વાતાવરણના પલ્ટાથી સુસવાટા મારતા પવનોથી ધુંધળા જેવુ વાતાવરણ થઇ જતા સમગ્ર પંથકમાં આંધી જેવુ વાતાવરણ છવાઇ જતા વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.
પડધરી
પડધરીઃ રાજકોટ નજીકના પડધરીમાં પણ આજે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે ૧૦ થી ૧૫ મીનીટ સુધી કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ભરઉનાળે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂનાગઢ
જૂનાગઢઃ જુનાગઢ વિસ્તારમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેતા બપોર બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારની સોરઠનાં વાતાવરણમાં ફેરફાર આવ્યો છે આજે સતત ત્રીજા દિવસે પણ આકાશમાં વાદળા છવાય ગયા હતાં. પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૭.૮ કિ.મી. સુધી પહોંચી ગઇ છે.
વાદળછાયુ વાતાવરણ રહેતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે સવારે લઘુતમ તાપમાન વધુ બે ડીગ્રી ઘટીને રપ.૪ ડીગ્રી નોંધાયુ હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭ર ટકા થઇ જતા બફારો અને ઉકળાટનું સામ્રાજય છવાતા ગયુ છે આમ બપોર બાદ કમોસમી વરસાદની શકયતા પ્રવર્તે છે.
વાંકાનેર
વાંકાનેરઃ આજે બપોરે વાંકાનેરમાં પણ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે પવનના સુસવાટા સાથે વરસાદ પડયો હતો. કમોસમી વરસાદમાં કરા પણ પડયા હતા. વરસાદ વરસાદ વરસતા ધોમધખતા તાપમાં રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જોડીયા
જોડીયાઃ જામનગર જિલ્લાના જોડીયામાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડયા હતા. જ્યારે જોડીયા નજીકના દરીયા કિનારે આવેલ ખીરી ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો.
ગુજરાતમાં કયા-કયા છાંટા પડયા
જામનગર તા.૧૬ : કાલે ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં છાંટા પડયા હતા. જેમાં રાજકોટ, દાહોદ, ગોધરા, અરવલ્લીના માલપુર, મેઘરજ, ભીલોડા, ધનસુરા, બાયડ, મોડાસા, છોટાઉદેપુર, બનાસકાંઠા, ધાનેરા, ડીસા અને નવસારીમાં છાંટા પડયા હતા.