મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

હવેથી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાશેઃ સુપ્રીમ કોર્ટ

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની બેંચે એક ચૂકાદો આપતા આ વાત કરી હતી

નવી દિલ્હી, તા.૧૬: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો હવેથી બળાત્કાર ગણાશે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આવી હરકત મહિલાઓના સમ્માનને ઠેસ પહોંચાડે છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની બેંચે એક ચૂકાદો આપતા આ વાતો કરી હતી.

બેંચે કહ્યું કે ઘણીવાર એવું બને કે પીડિત અને રેપ કરનારા આરોપી બંને પોત-પોતાના જીવનમાં આગળ નીકળી જાય છે, તેઓ પોત-પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે કોઇ ગુનો નથી કર્યો, તેમની આ હરકતને હંમેશા ગુનો માનવામાં આવશે. કોર્ટે સ્વીકાર્યું કે આવી ઘટનાઓ આધુનિક સમાજમાં વધી રહી છે.

કોર્ટે આ નિર્ણય એક મહિલાની ફરિયાદના આધારે આપ્યો છે. છત્તીસગઢની મહિલાએ એક ડોકટર પર ૨૦૧૩માં તેના પર બળાકતાર કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા કોની (બિલાસપુર)ની નિવાસી છે અને ૨૦૦૯થી ડોકટરથી પરિચિત હતી. એ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. આરોપીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. બંને પક્ષના પરિવાર પણ આ વાત સારી રીતે જાણતા હતા.

આરોપીની બાદમાં એક બીજી મહિલા સાથે સગાઇ થઇ ગઇ, પરંતુ તેણે પીડિતાની સાથે સંબંધ તોડયો નહીં. ત્યારબાદ પોતાનો વાયદો તોડી નાખ્યો અને કોઇ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા.

(11:37 am IST)