મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

ઘરખમ ફેરફારો સાથે આવે છેઃ ૨૦૧૯-૨૦નું રિટર્ન ફોર્મ

નાના-મોટા કુલ ૧૦ પ્રકારના ફેરફારઃ કેટલીક શરતો પણ મુકાઇ

નવી દિલ્હી, તા.૧૬: અત્યારે વર્ષ ૨૦૧૯-૨૦ માટેના IT રિટર્ન ફોર્મમાં ઘરખમ ફેરફાર કર્યા છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ત્વ્ય્ ના કુલ સાત ફોર્મ હશે. ઈન્કમ ટેકસ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આઈટીઆર-૧ તથા આઈટીઆર-૪ ફોર્મ પહેલેથી પ્રાપ્ય છે. અન્ય ફોર્મ પણ ટૂંક સમયમાં આવશે એવી આશા વ્યકત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ દર વર્ષે આઈટીઆર ફોર્મને અપડેટ કરે છે.

આ વર્ષે પણ વિભાગે કેટલાક ફેરફાર સાથે નવા ફોર્મ બાહર પાડ્યા છે. સામાન્ય રીતે નવા ફોર્મ ગત નાણાકીય બિલ અનુસાર ટેકસ સ્લેબ થયેલા ફેરફારને રજૂ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના આઈટીઆર ફોર્મમાં તમને નાના-મોટા કુલ ૧૦ પ્રકારના ફેરફાર જોવા મળશે. જેમાં કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. રીટર્ન ભરતી વખતે આ વાતનું ધ્યાન રાખશો તો મુંઝવણમાં નહીં મૂકાવ.

હવે ITR-4 ફોર્મનો ઉપયોગ કંપની નિયામક, લીસ્ટેડ ન હોય એવી કંપનીના શેરધારકો અને એકથી વધારે મકાન ધરાવતા લોકો નહીં કરી શકે. જો તમે ITR-1 ફોર્મ ભરવાના હો તો યાદ રાખો કે, સ્થાનિકનું સરનામું અને મોબાઈલ નંબર લખવો અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.

ફોર્મમાં સેલેરી સિવાય પણ વ્યકિતએ બીજા સ્ત્રોતનો ખુલાસો કરવો પડશે. સેલેરી સ્ટાન્ડર્ડ ડિડકશનને ૧ એપ્રિલ ૨૦૧૮થી લાગુ કરવામાં આવ્યું છે. આ ફેરફાર ફોર્મમાં જોવા મળશે. આ સિવાય સેલેરી એમપ્લોયને વેલ્યુ ઓફ પરકિવઝિટ્સ, પ્રોફિટ ઈન લિયું ઓફ સેલેરી, એકઝેમ્પ્ટ એલાઉન્સ અને ઈન્ટરનેટ એલાઉન્સ માટે પણ ડિડકશન, પ્રોફેશનલ ટેકસ અને સ્ટાન્ડર્ડ ડિડકશન જુદા જુદા દર્શાવવા પડશે.

અત્યાર સુધી એકથી વધારે મકાન પર ટેકસ ચૂકવવો પડતો હતો. પણ હવે તેનો નિયમ બદલાયો છે. જો તમારી પાસે બે મકાન છે અને બીજું મકાન ખાલી છે તો તેને પણ સેલ્ફ ઓકયુપાઈડ જ માનવામાં આવશે. પણ નોશનલ ટેકસ રેટ પર કોઈ કર ભરવો નહીં પડે. આ માટે ITR-1 તથા ITR-4માં ડિમ્ડ લેટ આઉટનો વિકલ્પનો ઉલ્લેખ કરવો પડશે. જો, મકાન માલિક દ્વારા ભાડૂતનો ટીડીએસ કાપવામાં આવે છે તો આવી સ્થિતિમાં ભાડૂતનો પાનકાર્ડ નંબર પણ આપવો પડશે.

જો તમારી સંપત્તિ ૫૦ લાખ રુપિયાથી વધારે છે તો ખરીદદારે એક ટકાના દરથી ટીડીએસ કાપવાનો રહેશે. જયારે વિક્રેતા દ્વારા જાણકારીની સ્પષ્ટતા કરવા માટે આઈટીઆર ફોર્મમાં સંશોધન કરવામાં આવ્યું છે. આ સાથે જ ઈકિવટી શેર અને ઈકિવટી આધારિત મ્યુચલફંડ પર લોંગટર્મ કેપિલટ ગેસ ૧ એપ્રિલથી ટેકસેબલ થઈ ગયું છે. જે અંગેની વધુ વિગતો ફોર્મમાં જોવા મળશે. બેન્ક સેવિંગ એકાઉન્ટ, ફિકસડ ડિપોઝિટ અને ઈનકમ ટેકસ રિફંડ પર વ્યાજથી આવકનું સર્જન કર્યું છે તો તે અંગે સ્પષ્ટતા કરવી પડશે.

જો તમે વારંવાર વિદેશયાત્રા કરતા હોવ તો એ અંગે પણ વિસ્તૃત માહિતી આપવી પડશે. હવે માત્ર સેલ્ફ ડિકલેરેશનથી કામ નહીં ચાલે. દેશમાં તથા વિદેશમાં પસાર કરેલા દિવસોની પણ જાણકારી આપવી પડશે. જો કોઈ એનઆરઆઈનો આવકનો સ્ત્રોત ભારતમાં છે તો તેણે પણ ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવું પડશે. નવા ફોર્મમાં નિવાસસ્થાન, ટેકસપેયર્સ આઈડેન્ટિફિકેશન નંબર, એનઆરઆઈ તેમજ ભારતીય હોવાનું વિવરણ પણ રજૂ કરવાનું રહેશે.

ફોરેનમાં બેન્ક એકાઉન્ટ સિવાય પણ ફોરેન ડિપોઝિટરી એકાઉન્ટનું પણ વિવરણ આપવું પડશે. ટેકસ રિટર્ન ફોર્મમાં ફોરેન કસ્ટોડિયલ એકાઉન્ટ, ફોરેન ઈકિવટી એન્ડ ડેટની જાણકારી, વિદેશી મુદ્રાની પણ સ્પષ્ટ જાણકારી આપવાની રહેશે. આ સિવાય કોઈ ધાર્મિક સંસ્થામાં દાન કર્યુ હશે તો એની પણ જાણકારી આપવાની રહેશે.

(10:02 am IST)