મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

WPI ફુગાવો માર્ચમાં વધીને ૩.૧૮ ટકા : શાકભાજી મોંઘી

ફુડ આર્ટીકલ્સમાં ફુગાવો ફરી એકવાર વધ્યો : શાકભાજીની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો

નવી દિલ્હી, તા. ૧૫ : હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો સતત બીજા મહિનામાં વધ્યો છે. સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે છે કે, ફુડ અને ફ્યુઅલની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે ડબલ્યુપીઆઈ ફુગાવો ૩.૧૮ ટકા સુધી પહોંચી ગયો છે જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૯૩ ટકા હતો જ્યારે માર્ચ ૨૦૧૮માં આ ફુગાવો ૨.૭૪ ટકા હતો. ફુડ આર્ટીકલ્સમાં ફુગાવો ઉલ્લેખનીયરીતે વધ્યો છે. માર્ચ ૨૦૧૯ દરમિયાન શાકભાજીની કિંમતોમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. શાકભાજીમાં ફુગાવો માર્ચમાં ૨૮.૧૩ ટકા રહ્યો છે જે અગાઉના મહિનાની સરખામણીમાં ૬.૮૨ ટકા વધારે છે. જો કે, બટાકા સાથે સંબંધિત ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨૩.૪૦ ટકાથી ઘટીને ૧.૩૦ ટકા થઇ ગયો છે. ફુડ આર્ટીકલ્સમાં ફુગાવો માર્ચ મહિના દરમિયાન ૫.૬૮ ટકા હતો. ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં ફુગાવો ફેબ્રુઆરીમાં ૨.૨૩ ટકાથી વધીને ૫.૪૧ ટકા સુધી વધી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માસિક પોલિસી નિર્ણય માટે રિટેલ ફુગાવામાં મુખ્ય ધ્યાન આપે છે. આ મહિનાની શરૂઆતમાં જ આરબીઆઈની બેઠકમાં વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં વધીને ૨.૮૬ ટકા થયો હતો જે એક મહિના અગાઉ ૨.૫૭ ટકા હતો. રિટેલ ફુગાવાના આંકડા ગયા સપ્તાહમાં જારી કરવામાં આવ્યા હતા. એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળા માટે આરબીઆઈએ ફુગાવાનો આંકડો ૨.૯થી ત્રણ ટકા સુધી દર્શાવવામાં આવ્યો હતો. ખાસ કરીને ફ્યુઅલ અને ફુડ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ હતી. નોર્મલ મોનસુનની આગાહીથી ચિત્ર હવે સુધરી શકે છે.

(7:41 pm IST)