મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

ચોક્કસ નિદાન માટે દર્દીનું ત્રણ વખત બ્લડ પ્રેશર રીડીંગ લેવું જરૂરી

સંશોધનમાં બહાર આવી મહત્વની વાતઃ જો ત્રણ વખત રીડીંગ ન લેવાય તો નિદાન ખોટું આવવાના ચાન્સ રહેશે અને દર્દીને કારણ વગર દવા લેવી પડે છેઃ હાલ ઘણા ડોકટરો એક જ વખત બીપી રીડીંગ લઈ હાઈપર ટેન્શનનો ઈલાજ શરૂ કરી દયે છે, આના કારણે હાઈબીપીના અનેક દર્દીઓ સામે આવે છે અને તેમને જરૂર ન હોવા છતા દવા અપાઈ છે

મુંબઈ, તા. ૧૫ :. જો દર્દીના બ્લડ પ્રેશરનંુ રીડીંગ ૩ વખત ન લેવાય તો તે ખોટુ હોવાના ચાન્સ વધારે રહેતા હોય છે. આ બાબત એક ભારતીય સંશોધનમાં સામે આવી છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા અને એમ્સ એ જણાવ્યુ છે કે, જો બીજા અને ત્રીજા રીડીંગના મીનને બદલે માત્ર પ્રથમ બ્લડ પ્રેશરના રીડીંગને ડાયગ્નોસીસ માટે યોગ્ય માની લેવાય તો હાઈપર ટેન્શન સામે આવવાના ચાન્સ ૬૩ ટકા વધુ હોય છે.

જર્નલ ઓફ હ્યુમન હાઈપર ટેન્શનમાં છપાયેલ એક સ્ટડીના લેખકના જણાવ્યા પ્રમાણે બીપી યોગ્ય રીતે માપવામાં ન આવે તો કલાસીફીકેશન યોગ્ય રીતે થઈ શકતુ નથી અને રીડીંગ ખોટુ હોય શકે છે. જેને કારણે કારણ વગરનો ઈલાજ થઈ જાય છે.

હાલના સમયમાં જેવી રીતે બ્લડ પ્રેશર માપવામાં આવે છે તેનાથી કારણ વગરનો ઈલાજ થઈ રહ્યો છે. ૩૦થી નીચેના યુવાનોનુ નોર્મલ બ્લડ પ્રેશર ૧૨૦/૮૦ હોય છે. જો કે બ્લડ પ્રેશરનુ રીડીંગ ખાવા, ફીવર, મુડ અને અનેક કારણોથી ઉપરનીચે રહેતુ હોય છે. એક એ પણ કારણ હોય છે કે વ્હાઈટકોટ સિન્ડ્રોમમાં જેમા માણસનુ બ્લડ ડોકટરને જોઈને જ વધી જાય છે. તેથી જ્યારે પણ પહેલુ રીડીંગ સામાન્ય ન આવે તો રીડીંગ બીજી વખત લેવુ જોઈએ.

હાલની સ્થિતિમાં ધમધમતા દવાખાનાઓમાં એક જ વખત બીપીનું રીડીંગ લઈને હાઈપર ટેન્શનનો ઈલાજ શરૂ કરી દેવાય છે. આના કારણે હાઈબીપીના અનેક દર્દીઓ સામે આવે છે અને તેમને દવા આપવામાં આવે છે કે જેની તેમને જરૂર હોતી નથી.

મુંબઈની જસલોક હોસ્પીટલના ડો. હેમંત ઠક્કર જણાવે છે કે, એક સમજદાર ડોકટર જાણે છે કે, જ્યારે દર્દી પહેલીવાર તેમની પાસે આવે છે તો હોસ્પીટલનો માહોલ જોઈને તે વ્હાઈટકોટના લક્ષણ બતાવી શકે છે. જેનાથી રીડીંગ ખોટુ આવી શકે છે. તેમણે કહ્યુ હતુ કે રીડીંગ ત્યારે રીપીટ કરવુ જોઈએ કે જ્યારે પહેલુ સામાન્ય ન દેખાય.

ડો. ઠકકર કહે છે કે યોગ્ય રીતે એ છે કે જો કોઈ ડોકટરને બીપી સામાન્ય ન મળે તો તેણે દર્દીને બેસાડી અને સુવડાવીને ફરીથી રીડીંગ લેવા જોઈએ. તેઓ કહે છે કે જો ૩૦ વર્ષના દર્દીનું રીડીંગ ૧૪૦/૯૦ આવે તો હું તેમને દવા આપવાને બદલે લાઈફ સ્ટાઈલ બદલવાની સલાહ આપીશ. આ જ રીડીંગ જો સિનીયર સીટીજનને આવે તો તેમને દવાની જરૂર રહેશે.

(12:01 pm IST)